દિલ્હીના ગેંગસ્ટરો નીરજ બવાના, ભુપ્પી રાણા અને કૌશલ ચૌધરીને NIAએ કસ્ટડીમાં લીધા

September 24, 2022

NIAએ આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ સ્મગલરો વચ્ચે વધતી સાંઠગાંઠને તોડવા 50 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા

દિલ્હી- દેશભરમાં ચાલી રહેલી ગુનાહિત ગેંગની સિન્ડિકેટની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દિલ્હીની જેલમાં બંધ કુખ્યાત ગુનેગાર નીરજ બવાના અને અન્ય બે ગેંગસ્ટર ભૂપી કાણા અને કૌશલ ચૌધરીને કસ્ટડીમાં લીધા છે. 

NIA પટિયાલા હાઉસ કોર્ટ પાસેથી નીરજ, ભુપ્પી અને કૌશલ ચૌધરીને 5 દિવસના પ્રોડક્શન વોરંટ લઈને પોતાની તપાસને આગળ વધારશે. NIAએ કોર્ટને જણાવ્યું હતું કે, નીરજ બવાના અને તેની ગેંગના લોકો પ્રભાવશાળી લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાની સાથે ટાર્ગેટ કિલિંગ પણ કરી રહ્યા છે. 


NIAએ કોર્ટને જણાવ્યું હતું કે, તેણે મુખ્યત્વે ભારતમાં અને વિદેશોમાં સ્થિત આંતકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ સ્મગલરો વચ્ચે વધતી સાંઠગાંઠને તોડવા માટે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCR પ્રદેશમાં 50 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. 
નીરજ બવાનાના ઘરેથી કેટલીક ડાયરીઓ મળી હતી. NIAના સૂત્રોએ દાવો કર્યો હતો કે, બવાના સાથે આ ડાયરીઓમાં લખેલી વિગતો અંગે પૂછપરછ કરવામાં આવશે. આ ડાયરીઓમાં કથિત રીતે જમીન પચાવી પાડવાથી કમાયેલા નાણાઓ, અન્ય ગેંગસ્ટરોને માસિક ચૂકવણી, આધ્યાત્મિક પુસ્તકો અને મોસાદ જેવી વૈશ્વિક ગુપ્તચર એજન્સીઓના પુસ્તકોની વિગતો છે.
મળતી માહિતી મુજબ આ ડાયરીઓમાં આવી અનેક એન્ટ્રીઓ મળી આવી છે જેની તપાસ કરવામાં આવી રહી છે. એક ડાયરીમાં જેલમાં બંધ ગેંગસ્ટર ટિલ્લૂ તાજપુરિયાને અમુક લાખ રૂપિયાની માસિક ચૂકવવાની વાત હતી. આ ઉપરાંત જેલમાં બંધ ગેંગસ્ટર નવીન બાલીની સાથે 2 લાખ રૂપિયાનો ઉલ્લેખ છે. 


NIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બવાનાના ઘરમાંથી મળી આવેલા દસ્તાવેજોમાં રૂપિયા 100 કરોડની કિંમતનો પ્લોટ હડપ કરીને રિકવરી કરવાની વિગતો પણ છે. તેણે તેમાં પોતાના 'કટ'નો પણ ઉલ્લેખ કર્યો છે, જે મિલકતની કુલ કિંમતના 30 ટકાની નજીક છે.