દિલ્હી: અફવાના પગલે બાટલા હાઉસ વિસ્તારમાં નાસભાગ મચી, 1નું મોત

March 02, 2020

નવી દિલ્હી : પાટનગર નવી દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાં રવિવારે સાંજે કોઇએ હિંસાની અફવા ફેલાવતાં નાસભાગ મચી ગઇ હતી. એક યુવાનનું મૃત્યુ થયું હતું. તરત આ વિસ્તારમાં પોલીસ કુમક વધારી દેવામાં આવી હતી. 

પોલીસ પ્રવક્તાએ જણાવ્યા મુજબ બાટલા હાઉસ નજીકની એક મસ્જિદ પાસે હબીબુલ્લાહ શહાબ નામનો યુવાન બેહોશ થઇને ઢળી પડ્યો હતો. એને નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયો જ્યાં ડૉક્ટરોએ એને મૃત જાહેર કર્યો હતો.

હબીબુલ્લાહ નાસભાગમાં પડી જતાં મરણ પામ્યો કે બીજું કોઇ કારણ હતું એની તપાસ કરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મરનાર યુવાન બિહારના ભાગલપુર વિસ્તારનો હતો અને દિલ્હીમાં દરજી તરીકે કામ કરતો હતો.

પોલીસે અફવા તરફ ધ્યાન નહીં આપવાની અને શાંતિ જાળવવાની જાહેર અપીલ કરી હતી. અફવા ફેલાઇ ત્યારે નજીકના મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા હતા જે પાછળથી ખોલી નાખવામાં આવ્યા હતા.