દિલ્હી : 1984 પછીની સૌથી મોટી હિંસા: મૃત્યુઆંક વધી 27

February 27, 2020

નવી દિલ્હી : દિલ્હીમાં ભડકેલી હિંસાએ વધુ અનેક નિર્દોશોનો ભોગ લીધો છે. આ પહેલા હિંસામાં ૧૩ લોકો માર્યા ગયા હતા ત્યારે વધુ ૧૪ લોકો પણ આ હિંસામાં માર્યા ગયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે જેને પગલે અત્યાર સુધીમાં કુલ ૨૭ નિર્દોશ નાગરિકોને દિલ્હીની આ હિંસા ભરખી ગઇ છે. બીજી તરફ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, આ હિંસાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે જેથી મોટા પ્રમાણમાં લોકો પલાયણ કરવા મજબુર થયા છે. 

છેલ્લા બે દિવસથી દિલ્હી ભડકે બળી રહ્યું હતું, જેમાં ૨૩ લોકો માર્યા ગયા હતા જ્યારે બુધવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. એક આઇબી કર્મચારીનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. બીજી તરફ પોલીસે સમગ્ર દિલ્હીમાં ફ્લેગમાર્ચ કાઢી હતી. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસા બાદ પહેલી વખત આપેલા નિવેદનમાં લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી રહ્યો છું અને પોલીસને યોગ્ય કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે. મંગળવારે મૃતકોની સંખ્યા ૧૩ હતી તે હવે બુધવારે વધીને ૨૭ થઇ ગઇ છે. જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હિંસામાં માર્યા ગયેલા હેડ કોન્સ્ટેબલના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

બીજી તરફ દિલ્હી પોલીસે કહ્યું હતું કે ૧૦૬ લોકોની હિંસામાં સામેલ હોવાને કારણે ધરપકડ કરાઇ છે જ્યારે હિંસા હુલ્લડો સંબંધી ૧૮ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હિંસાની સૌથી વધુ અસર છે જેમ કે ચાંદ બાગમાં મોટા પ્રમાણમાં પોલીસ ખડકાઇ હતી અને કોઇ પણ સ્થાનિકને નાગરિકને બહાર નહોતો નિકળવા દેવાયો. જ્યારે ગોકુલપુરીમાં હિંસાના ભયને પગલે લોકો ઘર ખાલી કરી રહ્યા છે અને અન્ય સ્થળે રહેવા માટે જઇ રહ્યા છે.  અહીંના જીટીબી હોસ્પિટલ સ્ટાફે કહ્યું હતું કે જે લોકો ઘાયલ થયા છે તેમના શરીરે બંદુકની ગોળીના નિશાન છે, જ્યારે કેટલાકને પથ્થરો માર્યા છે. જ્યારે કેટલાક હિંસાથી બચવા માટે જ્યારે છત પરથી કુદી રહ્યા હતા ત્યારે નીચે પડી ગયા હતા. ૧૯૮૪ના રમખાણો બાદ દિલ્હીમાં પહેલી વખત આટલી મોટી હિંસા થઇ છે અને તેણે ૨૪ લોકોનો ભોગ લઇ લીધો છે.