દિલ્હી હિંસા : આઇબીના અંકિતને 12 વખત ચાકુ મરાયું હતું, પાંચ ઝડપાયા

March 15, 2020

નવી દિલ્હી : દિલ્હીમાં થયેલી હિંસામાં અનેક લોકો માર્યા ગયા હતા, જેમાં એક આઇબીના અિધકારી અંકિત શર્માનો પણ સમાવેશ થાય છે. અંકિત શર્માનો પીએમ રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ તેમને 12 વખત ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. આ હત્યામાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. 

આ ઉપરાંત સૃથાનિકોના નિવેદનો અને સાક્ષીઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ગુરૂવારે નંદ નગરી વિસ્તારમાં રહેતો સલમાન નામના શખ્સ ઝડપાયો હતો, જ્યારે અન્ય પાંચ લોકોની પણ ધરપકડ કરી લેવામા આવી છે. ધરપકડ કરાયેલા નામ ફિરોઝ, જાવેદ, ગુલફામ અને શોહેબ છે. તેઓ ચાંદબાગ વિસ્તારમાંથી ઝડપાયા હતા. જ્યારે અનસ નામનો શખ્સ મુસ્તાફાબાદથી પકડાયો છે. 

આ કેસમાં અન્ય પાંચ શખ્સો હજુ પણ ફરાર છે, જેમાં કેટલાકની તસવીરો અને સ્કેચ પણ જારી કર્યા છે. દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં અંકિત શર્માનો મૃતદેહ એક ગટરમાંથી મળી આવ્યો હતો. તે ગુમ થયો તેના બીજા દિવસે જ આ મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે આ જ સમયે દિલ્હીમાં હિંસા પણ ફાટી નીકળી હતી. 

બીજી તરફ ગત મહિને દિલ્હીમાં જે હિંસા થઇ હતી તેના આશરે 1330 જેટલા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેના આધારે હિંસા આચરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે અને ધરપકડો શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે હિંસામાં વપરાયેલા આશરે 150 જેટલા હિથયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

અંકિત શર્માની પીએમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ તેના પર ચાકુ અને દંડા વડે હુમલા થયા હતા. 12 વખત ચાકુના ઘા મરાયા હતા જ્યારે 33 નિશાન મારપીટના છે જેમાં દંડા અને પાઇપોનો ઉપયોગ કરાયો હતો. જોકે અમિત શાહે લોકસભામાં દાવો કર્યો હતો કે અંકિત શર્માના શરીર પર ઇજાના 400 નિશાન હતા પણ પીએમ રિપોર્ટ અનુસાર 33 નિશાન છે.