દિલ્હી હિંસા: ચાર દિવસમાં લોકોએ 13,200 કોલ કર્યા, પોલીસ બેસી રહી

February 29, 2020

નવી દિલ્હી :  ઇશાન દિલ્હીમાં 24મી ફેબ્રુઆરીની રાતથી ત્રણ ચાર દિવસ સુધી ચાલેલા હિંસાકાંડ દરમિયાન લોકોએ પોલીસને 13 હજાર બસો ફોનકોલ કર્યા હતા પરંતુ પોલીસે ધ્યાન આપ્યું નહીં એવી ચોંકાવનારી માહિતી હવે પ્રકાશમાં આવી હતી.

અત્રે એ નોંધવા જેવું છે કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં બદલી કરાયેલા દિલ્હી હાઇકોર્ટના જજ એસ મુરલીધરે પણ પોલીસની નિષ્ક્રીયતાની આકરી ટીકા કરી હતી.

હવે એવી વિગત બહાર આવી હતી કે 23 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે પોલીસ કન્ટ્રોલ રૂમમાં હજારો કોલ આવ્યા હતા પરંતુ કોઇ અકળ કારણસર પોલીસે તરત પગલાં લીધાં નહોતાં.

એક ટીવી ન્યૂઝ ચેનલે એવો દાવો કર્યો હતો કે અમારા રિપોર્ટરોએ બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને લોકો દ્વારા મદદ માટે આવેલા ફોનકોલ્સની વિગતો મેળવી હતી. એમને એ જાણીને શૉક લાગ્યો હતો કે 23મીએ આવેલા 800 કોલ્સની તુલનાએ 24મીએ 3500 કોલ્સ આવ્યા હતા. ફરી 25મીએ 7,500 કોલ્સ આવ્યા હતા. પરંતુ પોલીસ હાથ જોડીને બેસી રહી હતી અને દિલ્હી ભડકે બળતું રહ્યું હતું.

ફોનકોલ્સ રજિસ્ટરમાં ફોન  આવ્યા બાદ કેવાં પગલાં લેવાયાં એની કોઇ વિગતો ભરેલી નહોતી. એટલે કે હજારો ફોન કોલ્સ આવવા છતાં પોલીસે કોઇ પગલાં તત્કાળ લીધાં નહીં.