દિલ્હી હિંસા: પોલીસની ટીકા કરનારા જજની બદલી કરાઇ

February 27, 2020

નવી દિલ્હી : છેલ્લાં ત્રણ દિવસથી દિલ્હીમાં ખેલાઇ રહેલા હિંસાકાંડમાં પોલીસની નિષ્ક્રીયતાની ટીકા કરનારા દિલ્હી હાઇકોર્ટના જજ એસ મુરલીધરની રાતોરાત બદલી કરી નાખવામાં આવી હતી.

આ જજે અર્ધી રાત્રે પોતાના ઘરમાં કોર્ટ ભરી હતી અને બુધવારે હિંસા પર કાબુ નહીં મેળવી શકવા બદલ પોલીસની ઝાટકણી કાઢી હતી.

લેટેસ્ટ માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દેશના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મુરલીધરની પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં બદલી કરી નાખી હતી.

જો કે સરકારી પ્રવક્તાએ જણાવ્યા મુજબ 12મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના કોલેજિયમની બેઠક મળી હતી અને ત્યારેજ મુરલીધરની બદલીનો નિર્ણય લેવાઇ ગયો હતો. એટલે દિલ્હી હિંસાકાંડમાં પોલીસની ટીકા કરવા બદલ એમની બદલી કરવામાં આવી નથી. ગેરસમજ ન ફેલાય એ માટે આ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

આ જજ મંગળવારે રાત્રે પોતાને ઘેર કોર્ટ માંડી હતી અને પોલીસને એવી સૂચના આપી હતી કે ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં પહોંચાડો, તેમને મદદ કરો.

બુધવારે કોર્ટમાં એમણે એવું વિધાન કર્યું હતું કે અમે 1984નું પુનરાવર્તન નહીં થવા દઇએ. પોલીસની આકરી ટીકા કરવા ઉપરાંત તેમણે ભાજપના નેતાઓની વિડિયો ક્લીપ્સ કોર્ટમાં દેખાડી હતી.