મુંબઈ સહિત દેશમાં પાલતું પ્રાણીઓની માગ વધી

July 06, 2020

મુંબઈ : લોકડાઉન દરમ્યાન એક બાજુ અનેક રખડતાં પ્રાણીઓને ખાવા-પીવાના ફાંફા જોવા મળી રહ્યાં છે, ત્યારે બીજી તરફ શહેરમાં પાલતું પ્રાણી ખાસ કરીને વિવિધ હાઇબ્રિડના શ્વાનની માગ વધી છે. લોકડાઉનમાં ઘરે રહી એકલતાનો ભાવ દૂર કરવા એક સારા સાહચર્ય માટે પેટ્સ (પાલતું પ્રાણી)ની માગ વધી છે.

શહેરમાં અનેક એવા લોકો છે કે જેઓ ઘરે લઈ જવા માટે વિવિધ બ્રિડના ગલૂડિયાં કે શ્વાન અતવા બિલાડીની માગ કરી રહ્યાં છે. વિવિધ દુકાનોમાં ફરીને પેટ ડિલર્સ સાથે વાત કર્યા બાદ કાં તો નવા પેટ્સ માટે લાંબી રાહ જોવાનું કહેવામાં આવે છે અવા જેમની પાસે અમુક પેટ્સ છે, તેઓ હજારોની કિંમત ગ્રાહકો પાસેથી પેટ્સ માટે વસૂલી રહ્યાં છે. કારણ તેમાંય પેટ્સનો રંગ, તેમની આંખોનો રંગ, બ્રિડ વગેરેના જુદા ભાવ હોય છે.

જોકે એનિમલ વેલ્ફેર ઓર્ગનાઇઝેશન્સની ચિંતા એ છે કે, ફરી લોકડાઉન બાદ જ્યારે જનજીવન સામાન્ય થઈ જશે અને લોકોની ઓફિસ, કામધંધા ચાલુ થઈ જસે ત્યારે આ પ્રાણીઓની સંભાળ ન રાખી શકતાં લોકો પ્રાણીઓને કોઈ પેટ હોમમાં મૂકી આવશે અતવા દુકાનદારોને પાછા આપી જશે. લોકોએ સમજવું જોઈએ કે કોઈપણ પ્રાણીને ઘરમાં લાવવું એટલે ઓછામાં ઓછી દસ વર્ષની જવાબદારી સ્વીકારવી.