એચ-1બી વિઝા પ્રતિબંધમાથી હેલ્થકેર વર્કરોને મુક્તિ આપો : ડેમોક્રેટ્સ

August 06, 2020

વોશિંગ્ટન : ડેમોક્રેટિક પાર્ટીના દિગ્ગજ સાંસદોએ ટ્રમ્પ વહીવટી તંત્રે એચ-૧બી વિઝાધારકોના પ્રવેશ પર મૂકેલા પ્રતિબંધમાંથી કેટલાક હેલ્થવર્કરોને બાકાત રાખવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે એચ-૧બી વિઝા ભારતીય આઇટી પ્રોફેશનલોેમાં ખૂબ જ લોકપ્રિય છે.

આ દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીએ જાહેરાત કરી છે કે જો તેઓ સત્તામાં આવશે તો ગ્રીન કાર્ડ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેશે અને ગ્રીન કાર્ડ મેળવવા માટેની વિલંબિત અરજીઓના નિકાલ માટે અસરકારક પગલા ભરશે.

ટ્રમ્પ વહીવટી તંત્રે ૨૩ જૂને ૨૦૨૦ના અંત સુધી એચ-૧બી વિઝા અને અન્ય પ્રકારના વર્ક વીઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ટ્રમ્પ વહીવટી તંત્રનું માનવું છે કે ચૂંટણીના વર્ષમાં આ પગલું અમેરિકાના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યું છે.

એચ-૧બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે. આ વિઝા દ્વારા અમેરિકન કંપનીઓ ટેકનોલોજી અને અન્ય વિશેષ વિશેષતા ધરાવતા પદો પર વિદેશી કર્મચારીઓની નિમણૂક કરી શકે છે. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે આ વીઝાને આધારે હજારો વિદેશી પ્રોફેશનલોની નિમણૂક કરે છે.

ડેમોક્રેટિક સાંસદોનું માનવું છે કે કોરોના મહામારીના સમયમાં હેલ્થ વર્કરોની સંખ્યા મર્યાદિત કરવી અમેરિકનોના પ્રાણને જોખમમાં મૂકવા બરાબર છે. વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો, હોમલેન્ડ સિક્યુરિટીના કાર્યકારી સચિવ ચાડ વોલ્ફ, શ્રમ પ્રધાન યુજિન સ્કાલીયાને લખેલા પત્રમાં સાંસદોએ જણાવ્યું છે કે આ પ્રતિબંધને કારણે અમેરિકાની આરોગ્ય સેવાઓ પર પ્રતિકૂળ અસર પડી છે.

અમેરિકામાં ગ્રામીણ અને અશિક્ષિત સમુદાયોની આરોગ્ય સેવાઓ ઇમિગ્રન્ટ ફિઝિશિયન ઉપર જ આધારિત છે. આ પત્રમાં હાઉસ જ્યુડિસરી કમિટીના ચેરમેન જેરોલ્ડ નાડલેર, હાઉસ વેઝ એન્ડ મીન્સ કમિટીના ચેરમેન રિચાર્ડ નીલ અને હાઉસ સબકમિટી ઓન ઇમિગ્રેશન એન્ડ સિટિઝનશીપના ચેરમેન ઝો લોફગ્રેને પણ હસ્તાક્ષર કર્યા છે.