શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ મુખ્ય પ્રદર્શન સ્થળ ખાલી કરવાનો ઈન્કાર કર્યો

August 05, 2022

શ્રીલંકામાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ આવાસ પાસે આવેલા ગેલે ફેસ પ્રોટેસ્ટ સાઈટ શુક્રવાર સાંજ સુધી ખાલી કરવાનો પોલીસનો આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો છે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે પોલીસે સાઈટ ખાલી કરવા મુદ્દે કોર્ટનો આદેશ મેળવ્યો નથી. આ વિરોધ-પ્રદર્શન સ્થળ સરકાર વિરોધી રાજપક્ષે સામેના વિરોધમાં એપી-સેન્ટર રહ્યું હતું.

પ્રદર્શનકારીઓએ દાવો કર્યો છે કે અગાઉની રાજપક્ષે સરકારે જગ્યાને વિરોધ પ્રદર્શન સ્થળ જાહેર કર્યું હતું. જેથી આ જગ્યા ખાલી કરવાનો કોઈ અર્થ નથી. શ્રીલંકાની પોલીસે પ્રદર્શનકારીઓને 5મી ઓગસ્ટ સુધીમાં સ્થળ પરથી ગેરકાયદેસર તંબુ અને કેમ્પ કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો. પ્રદર્શનકારીઓ 9મી એપ્રિલથી જગ્યા પર કબ્જો જમાવીને બેઠા છે. 14મી જુલાઈએ રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યું હતું.