દેશમુખે પોતાની સામેના સીબીઆઈ તપાસના આદેશને સુપ્રીમમાં પડકાર્યો

April 07, 2021

મુંબઈ : માજીગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસનો આદેશ આપતા બોમ્બે હાઈ  કોર્ટના આદેશને પડકારવા મહારાષ્ટ્ર સરકારે અને અનિલ દેશમુખે  અલગથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છેે. હાઈકોર્ટના ચુકાદાને પગલે સોમવારે જ દેશમુખે ગૃહ પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. બાવન પાનાંના આદેશમાં હાઈ કોર્ટે સીબીઆઈને નિર્દેશ આપીને 15 દિવસમાં પ્રાથમિક તપાસ કરવાનું જણાવ્યું હતું. માજી  પોલીસકમિશનર પરમ બીર સિંહે દેશમુખ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ગંભીર આરોપ કર્યા હતા. દેશમુખે કરેલી અરજીમાં પ્રતિવાદી તરીકે મહારાષ્ટ્ર સરકાર, કેન્દ્ર સરકાર, પરમબીર સિંહ અને સીબીઆઈનો સમાવેેશ કર્યો છે. દેશમુખે સોમવારે મોડી રાત્રે વરિષ્ઠ વકિલ અભિષેક મનુ સિંઘવીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને ત્યાર બાદ આ અરજી કરી હતી. બંને અરજીની સુનાવણી તાત્કાલિક હાથ ધરવાની માગણી કરવામાં આવી છે.
દેશમુખની અરજીમાં જણાવેલા મુખ્ય મુદ્દાઓમાં એમ જણાવાયું છે કે પરમબીર સિંહનો પત્ર સહી વિના હતો અને તેના પર અરજી સ્વીકારી શકાય નહીં. બોમ્બે હાઈ કોર્ટે દેશમુખની બાજુ સાંભળી નથી. દેશમુખને સોગંદનામું રજૂ કરવાની પણ કોર્ટે તક આપી નથી. સીધી સીબીઆઈ તપાસ આપવાને બદલે અદાલતી તપાસ કરાવાની જરૂર હતી.  રાજ્ય સરકારની પ્રશાસકીય યંત્રણા નબળી હોવાનું કોર્ટે જણાવવું જોઈતું નહોતું. સીબીઆઈને ફુલટાઈમ ડિરેક્ટર પણ નથી આથી આ તપાસ યોગ્ય ગણાશે કે નહીં એના પર પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સીબીઆઈ કેન્દ્ર સરકાર અંતર્ગત હોવાથી રાજ્ય સરકારની પરવાનગી નહોવા છતાં સીબીઆઈ તપાસનો નિર્ણય આપવો ખોટી વાત છેે. પોલીસ યંત્રણા પર વિશ્વાસ નહીં દેખાડવો એ યોગ્ય નથી. આ બાબતોને આધારે હાઈકોર્ટનો નિર્ણય રદ કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે.