પવારને મનાવવા માટે દેશમુખે રૂપિયા બે કરોડ માંગ્યા હતા : સચિન વઝેનો ધડાકો

April 08, 2021

મુંબઈ: એન્ટિલિયા કેસના આરોપી સચિન વઝેએ બુધવારે મોટો ધડાકો કરતા જણાવ્યું હતું કે ૨૦૨૦માં તેને નોકરીમાં પુન:સ્થાપિત કરાયા બાદ તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે તેને જણાવ્યું હતું કે શરદ પવાર ઇચ્છે છે કે તેના રિસ્ટોરેશનને રદ કરી દેવામાં આવે. પરંતુ તેઓ પવાર સાહેબને મનાવી લેશે અને આ કામ માટે દેશમુખે રૂપિયા બે કરોડની માગણી કરી હતી. જોકે વઝેએ આટલી મોટી રકમ આપવાની અસમર્થતા દર્શાવી હતી. જોકે તે પછી ગૃહમંત્રીએ આ રકમ પાછળથી આપવાનું જણાવ્યું હતું. વઝેએ એમ પણ જણાવ્યું છે કે ઓક્ટોબર ૨૦૨૦માં અનિલ દેશમુખે તેને સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં બોલાવ્યો હતો અને તેને શહેરના ૧૬૫૦ બાર અને રેસ્ટોરન્ટ્સ પાસેથી નાણાં ઉઘરાવવાનું કહ્યું હતું. જોકે વઝેએ એમ કહીને આ કામ કરવાનો ઇનકાર કર્યો હતો કે તે તેની ક્ષમતાની બહારનું કામ છે. વઝેએ ગૃહમંત્રી પર વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૧માં વઝે ગૃહમંત્રીને તેના સરકારી બંગલા પર મળ્યો હતો અને ત્યારે તેમની સાથે પીએ કુંદન પણ હાજર હતો. ગૃહમંત્રીએ વઝેને ૧૬૫૦ બાર રેસ્ટોરન્ટ્સ પાસેથી ૩-૩.૫ લાખ રૂપિયા વસૂલવા જણાવ્યું હતું.