ઓમિક્રોનના ફેલાવા છતાં લાખો કેનેડીયનો વિદેશ પ્રવાસે ઉપડી ગયા

January 29, 2022

  • ડિસેમ્બર મહિનામાં 7,42,417 કેનેડીયનો વિદેશ પ્રવાસેથી એરાઇવલ લોન્જ પર આવી પહોંચ્યા
  • ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના ઓક્ટોબરથી ગ્રાહકોનું બુકીંગ 30થી 40% વધ્યું
ઓન્ટેરિયો: એક અનુમાન મુજબ ડિસેમ્બર મહિનામાં 7 લાખથી વધુ કેનેડીયનોએ વિમાન દ્વારા વિદેશ પ્રવાસ કર્યો હતો અને કેનેડાના હવાઈમથક ઉપર ઉતર્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં કોવિડ-19ના ફેલાવાએ હાહાકાર મચાવ્યો છે અને તેમાં ઓમિક્રોન વેરિયેન્ટના પ્રવેશથી કોવિડ-19ની સમસ્યા વધુ વિકરાળ બની છે. આમ છતાં પણ કેનેડાના લોકો વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. સેન્ડી લોન્ગ અને તેના પતિ 28મી નવેમ્બરે 10 દિવસનું વેકેશન ગાળવા હવાઈ માર્ગે મેક્સિકો ઉપડી ગયા હતા. લોન્ગે કહ્યું હતું કે, અમારો પ્રવાસ બહુ આરામદાયક રહ્યો હતો. કારણ કે, અમે કોવિડ સબંધી તમામ નિયમોનું ચુસ્ત રીતે પાલન કર્યું હતું. વળી,  છેલ્લા 2 વર્ષથી અમે ક્યાંય પ્રવશે નહિ ગયા હોવાથી આ વર્ષે વેકેશનમાં વિદેશ જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. બીસીના રિચમંડના રહેવાસી 58 વર્ષીય લોન્ગે કહ્યું હતું કે, જીવન બહુ ટૂંકું છે અને તેની ઉદાસીમાંથી બહાર આવવા માટે આપણે હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પ્રવાસ પણ આ બાબતમાં વધુ મદદરૂપ બંને છે. તેથી અમે મેક્સિકોનો પ્રવાસ કર્યો હતો. મેક્સિકોમાં જે હળવાશની પળો અમે ગાળી હતી, તે અમને હજુ પણ યાદ આવે છે. અમને એવું જણાય છે કે, મોટાભાગના કેનેડીયનો લોન્ગ પરિવાર જેવું જ મંતવ્ય ધરાવે છે અને ભારે ઝડપથી ગંભીર રીતે ઓમિક્રોનનો વિશ્વભરમાં ફેલાવો થઇ રહ્યો હોવા છતાં કેનેડીયનો વિદેશ પ્રવાસનો મોહ છોડી શકતા નથી. હજુ થોડા સમય પહેલા જ ચેતવણી આપવામાં આવી હતી કે, લોકોએ બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઈએ. પરંતુ તેની બહુ અસર થઇ હોય તેવું જોવા મળતું નથી.
સ્ટેટિકસ કેનેડાના આંકડાઓ જણાવે છે કે, ડિસેમ્બર મહિનામાં 7,42,417 કેનેડીયનો વિદેશ પ્રવાસેથી એરાઇવલ લોન્જ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન વિદેશ પ્રવાસીઓની સંખ્યામાં છ ગણો વધારો થયો છે. 
ડિસેમ્બર 2019માં રોગચાળા પહેલા પ્રવાસીઓની જે સંખ્યા હતી તે 2020માં 6 ગણી વધી ગઈ હતી. હજુ પણ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જાન્યુઆરી 3થી 9 સુધીના પ્રથમ સપ્તાહમાં 2.16,752 કેનેડિયન પ્રવાસીઓ એરાઇવલ લોન્જમાં આવી પહોંચ્યા હતા. આ નવા આંકડા કેનેડા બોર્ડર સર્વિસીસ એજેન્સી તરફથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ટ્રાવેલ એજેન્સીના મલિક લેસ્લી કેટર કહે છે કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના ઓક્ટોબરથી ગ્રાહકોનું બુકીંગ 30થી 40% વધ્યું છે.