રાજ્યમાં શિયાળો છતાં લોકો ગરમીથી ત્રાહિમામ : વાતાવરણમાં પલટો, વાદળો ઘેરાતા માવઠાની પણ શક્યતા

November 23, 2021

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગત બુધવારથી શુક્રવાર એમ ત્રણ દિવસ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને હવે છેલ્લા બે ત્રણ દિવસથી ભર શિયાળે ઉનાળા જેવી સ્થિતિ બની ગઈ છે. પરંતુ તેમ છતાં આજે દક્ષિણ ગુજરાતમાં  સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય વરસાદની આગાહી નથી. રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુક્કું રહેશે.

બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. હાલ હવામાં ભેજને લીધે લધુત્તમ તાપમાન ઘટ્યું નથી. રાજ્યના મોટાભાગના શહેરોનું લધુત્તમ અને મહત્તમ તાપમાન ઉંચકાયું છે. વરસાદના વિરામ બાદ રાજ્યમાં બફારો અને ઉકળાટ વધતા લોકો શિયાળામાં પણ પરસેવે રેબઝેબ થઈ ગયાં છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોનું તાપમાન ઉંચકાયું છે. સુરતમાં તો લધુત્તમ તાપમાન ઉનાળાની સિઝનની માફક 26  ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ સિવાય ડીસાનું 21.5, વડોદરાનું 22.2, સુરતનું 26.4, ભુજનું 20.2, કંડલા પોર્ટનું 22.1, ઓખાનું 24.7, ભાવનગરનું 24.8, દ્વારકાનું 22.2, પોરબંદરનું 23.8, રાજકોટનું 22.3, વેરાવળનું 25.2, સુરેન્દ્રનગરનું 23 જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોનું મહત્તમ તાપમાન પણ 34 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. બીજી બાજુ રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો ઘેરાયા હતા અને ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે હવે બફારો વધ્યો છે. જેથી ઠંડીનું જોર સાવ ઘટી રહ્યું છે.