મધરાતે ઇથોપિયન શરણાર્થી કેમ્પ પર વરસ્યો વિનાશ, 56ના મોત

January 09, 2022

ઇથોપિયાના ટાઇગ્રે પ્રદેશમાં વિસ્થાપિતોના કેમ્પ પર થયેલ એર સ્ટ્રાઇકમાં બાળકો સહિત 56 લોકોના મોત થયા અને 30થી વધુ ઘાયલ થયા. કેમ્પના બે સહાયક કાર્યકરોએ સ્થાનિક અધિકારીઓ અને અન્ય સાક્ષીઓને આ વાતની જાણકારી એક જાણીતા અખબારને આપી હતી. કેન્દ્ર સરકારની લડાઈ લડી રહેલા ટાઈગ્રે પીપલ્સ લિબરેશન ફ્રન્ટ (TPLF)ના પ્રવક્તા ગેતાચેવ રેડાએ શનિવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન અબી અહેમદે ડેડેબિટમાં વિસ્થાપિત લોકોના કેમ્પ પર ડ્રોન હુમલો કરાવ્યો જેમાં અત્યાર સુધીમાં 56 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે.


સહાયતા કામદારો, પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇરિટ્રીયન સરહદ નજીકના ક્ષેત્રના ઉત્તરપશ્ચિમમાં આવેલા ડેડેબિટ શહેર પર શુક્રવારે મોડી રાત્રે હુમલો થયો હતો. લશ્કરી પ્રવક્તા કર્નલ ગાર્નેટ અદાને અને સરકારના પ્રવક્તા લેગસી તુલુએ હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. વડા પ્રધાનના પ્રવક્તાએ પણ સ્થાનિક મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. અગાઉ, સરકારે બળવાખોરો સાથે 14 મહિનાની લાંબી અથડામણમાં નાગરિકોને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો હતો.


શુક્રવારે, સરકારે ઘણા વિપક્ષી નેતાઓને જેલમાંથી મુક્ત કર્યા હતા અને કહ્યું કે તે સમાધાનને પ્રોત્સાહન આપવા માટે રાજકીય વિરોધીઓ સાથે વાતચીત શરૂ કરશે. સહાય કર્મચારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓએ શુક્રવારના એર સ્ટ્રાઇકમાં મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. તેમણે ન્યૂઝ એજન્સી સાથે બાળકો સહિત ઘાયલોની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેમણે જણાવ્યું કે કેમ્પમાં ઘણા બાળકો અને વૃદ્ધ લોકો રહે છે.