મસલ-મની-માફિયા પાવર સામે અમારી જીતને દેશનુ સમર્થનઃ મમતા બેનરજી

July 21, 2021

કોલકત્તા ઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ સામે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી ધમાકેદાર જીત બાદ હવે તેમની નજર રાષ્ટ્રીય ફલક પર છે. આજે મમતા બેનરજીએ શહીદ દિવસની ઉજવણી નિમિત્તે વિરોધી પાર્ટીઓને એક થવા માટે આહ્વાન કર્યુ હતુ. આજે ઓનલાઈન પ્રસારણ સાથે દિલ્હીમાં યોજાયેલા તૃણમુલ કોંગ્રેસના કાર્યક્રમમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ તથા પી.ચિદમ્બરમ, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ, જયા બચ્ચન પણ હાજર હતા.


મમતા બેનરજીના ભાષણને દેશના અન્ય રાજ્યો તામિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને યુપી જેવા બીજા રાજ્યોમાં પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ટીએમસીએ મની પાવર, મસલ પાવર અને માફિયા પાવર સામે જીત મેળવી છે. આ માટેની પ્રેરણા અમને રવિન્દ્રનાથ ટાગોર પાસે મળી છે. બંગાળના લોકોએ અમને આપેલા મતનુ આખા દેશે સમર્થન કર્યુ છે. બંગાળમાં જે હિંસાની વાત છે તે ચૂંટણી પહેલાની હિંસા હતી, આજે દેશમાં લોકશાહી ખતરામાં છે અને ફોન ટેપ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 1993માં યુવા કોંગ્રેસની રેલી પર કોલકાતામાં પોલીસે ફાયરિગં કર્યુ હતુ અને તેમાં 13 લોકોના મોત થયા હતા. જેમની યાદમાં મમતા બેનરજી શહીદ દિવસની દર વર્ષે ઉજવણી કરે છે.