કૃષિ બિલનાં વિરોધમાં ગુજરાત કોંગ્રેસ આક્રમક, રાજભવન સુધી કૂચ કરે તે પહેલાં અટકાયત

September 28, 2020

સુરત : કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. તેવામાં આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની કોંગી કાર્યકરોએ વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસેથી રાજભવન સુધી કૂચ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. જો કે, રાજભવન સુધી કૂચ કરે તે પહેલાં જ પોલીસે અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નવા કૃષિ બિલને લઈને સરકાર પર આકરાં પ્રહાર કર્યા હતા અને બંને નેતાઓએ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી. અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર ખેડૂતોનો અવાજ દબાવે છે. ખેડૂતોની રોજગારી છીનવવાનો સરકારનો પ્રયાસ છે. ભાજપ ખેડૂત વિરોધી પાર્ટી છે.

મંજૂરી વગર કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવતાં પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયકત કરી હતી. સાયલન્ટ ઝોનમાં મંજૂરી ન હોવાથી પોલીસે અટકાયતની કાર્યવાહી હાથ ધરી હતી.

કોંગ્રેસનાં વિરોધ આંદોલન વચ્ચે ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં પ્રવેશના રસ્તાઓ ઉપર પણ ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત વિરોધ પ્રદર્શનને પગલે ‘ચ’ રોડનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.