દધાલીયા તા. પં. બેઠકના કોંગ્રેસના ઉમેદવારને પોતાના ગામમાંથી 11 મત મળતી તપાસની માંગ

March 03, 2021

- કોંગ્રેસની પરીણામ સામે નારાજગી : એફએસએલ તપાસની માંગ


- અરવલ્લી જિલ્લા સેવા સદન સામે ઉમેદવારના સમર્થકોએ દેખાવો યોજયા : મશીનમાં ગોટાળાનો આક્ષેપ કરાયો

મોડાસા- અરવલ્લી જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મત ગણતરી, પરીણામો અને ઈવીએમ સામે કેટલાક સ્થળે અસંતોષ જોવા મળ્યો હતો. મોડાસા તાલુકા પંચાયતની દધાલીયા સીટ ઉપર કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવારને તેમના જ ગામ કોકાપુર ખાતે માત્ર ૧૧ મતો મળતાં ટેકેદારોમાં ચકચાર મચી હતી અને આ પરીણામ જ અટકાવવા, ઈવીએમની એફએસએલ દ્વારા તપાસ કરાવવા કોંગ્રેસ દ્વારા દેખાવો યોજી કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મત ગણતરીને લઈ હારેલા ઉમેદવારો દ્વારા જાત જાતના આક્ષેપો કરાયા હતા. કેટલીક બેઠકો ઉપર તો રીકાઉન્ટીંગ ની માંગને લઈ પુનઃ મત ગણતરી હાથ ધરાઈ હતી. પંરતુ મોડાસા તાલુકા પંચાયતની દધાલીયા બેઠક ઉપર ના કોંગ્રેસ ના ઉમેદવાર અને તાલુકા પંચાયતની ગત ટર્મના પ્રમુખ ભાવનાબેન ને તેમના ગામના બુથમાંથી માત્ર ૧૧ મતો જ નીકળતા ભારે અચરજ ફેલાયું હતું.મત ગણતરી એજન્ટ અને ઉમેદવારના પતિ જયદીપભાઈ એ તંત્ર સામે જ આક્ષેપો કરતાં ઈવીએમ માં ગોટાળા હોવાનો ઓક્ષપ કર્યો હતો.


જયદીપ પટેલે જણાવ્યું હતું કે મારા ઘર પરીવાર ના જ ૨૪ થી વધુ મતો છે. ગામના મતદારો પણ તેમની તરફેણમાં છે, ત્યારે આ આંકડો જ આશ્ચર્ય પમાડે છે અને આ પરીણામ ને લઈ કોંગ્રેસ પક્ષ,કાર્યકરોમાં વ્યાપેલ અસંતોષ ને પગલે જિલ્લા સેવા સદન આગળ ઉમેદવાર, ટેકેદાર, કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સહિતના અગ્રણીઓ એ દેખાવો યોજયા હતા.અને આવેદનપત્ર આપી ધરણા યોજી આ પરીણામ અટકાવવા,ઈવીએમ ની એફએસએલ દ્વારા તપાસ કરાવવા જ માંગ ઉઠાવી હતી.