ધાકડનો ધબડકોઃ કોઈ ઓટીટી કે સેટેલાઈટ રાઈટ લેવા તૈયાર નથી

May 28, 2022

મુંબઇ : કંગના રણૌતની હાલની રિલીઝ થયેલી ફિલ્મ ધાકડ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ છે. રૂપિયા ૬૦ કરોડથી પણ વધુ બજેટમાં બનેલી આ ફિલ્મનું ચાર કરોડ રૂપિયા કલેકશન પણ મહામુશ્કેલીથી થયું છે. બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા પછી ઓટીટી અને સેટેલાઇટ રાઇટસ ખરીદવાનો નિર્માતાને કોઇ લેવાલ નથી મળી રહ્યો. કોરોના લોકડાઉન પછી નિર્માતાઓ અને થિયેટર ઓનર્સ વચ્ચે એવી સમજૂતી થઈ છે કે કોઈ પણ ફિલ્મની થિયેટર રિલીઝના ઓછામાં ઓછા ચાર સપ્તાહ બાદ જ તેને  ઓટીટ માટે આપી શકાશે. મોટાભાગે સારાં બેનરની અને સારી સ્ટાર કાસ્ટની ફિલ્મો તો નિર્માણની જાહેરાત વખતે જ સેટેલાઈટ, મ્યુઝિક, ઓવરસીઝ રાઈટ્સમાંથી જંગી કમાણી કરી લે છે. હવે તેમાં ઓટીટી રાઈટસ પણ ઉમેરાયા છે. પરંતુ ધાકડની કમનસીબી એવી છે કે બોક્સ ઓફિસ પર બહુ ખરાબ રીતે પટકાયા પછી તેને કોઈ ઓટીટી પ્લેટફોર્મ કે ટીવી ચેનલ હાથ લગાડવા તૈયાર નથી. ધાકડાના સર્જકે આ ફિલ્મની રિલીઝપહેલા એ આશાએથી રાઇટ્સ વેંચ્યા નહોતા કે ફિલ્મ હિટ જશે તો વધુ સારી ડીલ મળી શકશે. જોકે એમ થઇ શક્યું ન હોવાથી નિર્માતાને વધુ ખોટ સહન કરવી પડી છે. કહેવાય છે કે, બોક્સ ઓફિસ પર જે રીતે ફિલ્મ ફ્લોપ થઇ છે, તે પછી ઓટીટી અને સેટેલાઇટ માટે આ ફિલ્મને ખાસ ડીલ નથી મળી રહી. આ ફિલ્મને શરૂઆતમાં ૨૧૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી પરંતુ લ્મિનો ફ્લોપ બિઝનેસ જોઇને બે દિવસમાં જ આ ફિલ્મને ૨૫૦-૩૦૦ સ્ક્રીન કરી દેવામાં આવ્યા હતા.