ધોની બન્યો મેન્ટર, લક્ષ્ય ટી-20 વર્લ્ડ કપ

September 11, 2021

ટીમને અનેકવાર પછડાટ પછી રવિ શાસ્ત્રી અને કોહલીને મર્યાદામાં રાખવા કવાયત 
ભારતીય ટીમના એક સમયના શ્રેષ્ઠ બેસ્ટમેન અને સફળ સુકાની રહેલા ધોની પાસે ટી-20નો પણ બહોળો અનુભવ હોવાથી ક્રિકેટ બોર્ડ તેને તક અાપવા માંગે છે
યુએઈ અને ઓમાનમાં ૧૭ ઓક્ટોબરથી ટી-૨૦ વર્લ્ડ કપ સ્પર્ધા યોજવાની તૈયારી શરુ કરી દેવાઈ છે. બુધવારે આ વર્લ્ડ કપ માટેની ભારતની ટીમ જાહેર થવાની ગણતરી હતી. આ સમયે જ ક્રિકેટ બોર્ડે મોડી સાંજે ક્રિકેટ ચાહકોને સુખદ આંચકો આપ્યો. બોર્ડે ભારતને ૨૦૧૧માં વર્લ્ડ કપ અને ૨૦૧૩માં ટી-૨૦ વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ક્રિકેટ ટીમનો ‘મેન્ટર’ બનાવવાનું એલાન કરી નાખ્યું. ‘મેન્ટર’ તરીકે ધોનીની ભૂમિકા શું હશે એ વિશે બોર્ડે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં સચિન તેંડુલકર, અનિલ કુંબલે સહિતના ધુરંધર ખેલાડી મેન્ટર’ રહી ચૂક્યા છે. ટીમની પસંદગીથી માંડીને બેટિંગ ઓર્ડર સુધીની બાબતોમાં ‘મેન્ટર’નો પડ્યો બોલ ઝિલાય છે. એ જોતાં ધોની પણ એ જ ભૂમિકા ભજવશે એ નિશ્ચિત છે. 
એક રીતે કહીએ તો બોર્ડે કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી બંનેની ઉપર ધોનીને મૂકી દીધો છે. જો કે, ધોનીને મેન્ટોર બનાવવા સમયે રવિ શાસ્ત્રી અને કોહલીને વિશ્વાસમાં લેવાયા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. આવું કઈ રીતે થયું કે, પાછલા વર્ષે ટીમને અલવિદા કહેનારા મહેન્દ્ર સિંહ ધોનીને ફરી એકવાર ટીમ સાથે જોડાવાની તક મળી ? તે અંગે અટકળોના દોર વચ્ચે બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું કે, આ ટુર્નામેન્ટમાં ધોની કોચ રવિ શાસ્ત્રી અને બાકી સપોર્ટીંગ સ્ટાફ માટે સાથે મળીને કામ કરશે. જોકે જય શાહ ગમે તે કહે પણ સિલેક્ટર્સ પાછલા કેટલાક સમયથી ટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ પસંદ કરવાની પ્રક્રિયામાં હતા ત્યારે બીસીસીઆઈ સચિવ જય શાહે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને ધોનીને મેન્ટોર તરીકે ટીમ સાથે જોડવાનો આઈડિયા આપ્યો હતો. આ વાત ધોનીને ઓફર કરતા પહેલા કરવામાં આવી હતી.
ધોનીને જ્યારે આ અંગે વાત કરવામાં આવી તો તેણે ઓફર સ્વીકારી લીધી હતી. ધોનીને આ તક આપવા પાછળનું કારણ એ હતું કે, ધોનીનો આ ટી-૨૦ ફોર્મેટમાં બહોળો અનુભવ છે, જે ટીમને ઉપયોગી બનશે. ધોની અસલમાં ટી-૨૦ વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન છે. ૨૦૦૭માં સાઉથ આફ્રિકામાં ભારતને ધોનીની કેપ્ટનશીપમાં જ ટી-૨૦ વલ્ડકપ જીતવાની તક મળી હતી. આ જ કારણે ધોનીનો સાથ ટીમને ઘણો જ ઉપયોગી સાબિત થશે. હકીકતમાં પણ ‘મેન્ટર’ તરીકે ટીમની સફળતામાં ધોનીની યોગદાન આપવાની ક્ષમતા શંકાથી પર છે. ધોની નિ:શંકપણે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પેદા થયેલા મહાનતમ કેપ્ટન્સમાંથી એક છે. ધોનીએ ભારતને જેટલી મોટી ટૂર્નામેન્ટ્સમાં વિજય અપાવ્યો એ કોઈ બીજો કેપ્ટન અપાવી શક્યો નથી. કેપ્ટન તરીકે તો ધોનીનો રેકોર્ડ એટલો જબરદસ્ત છે કે, તેને વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટન્સમાં પણ ગણતરીમાં લેવો પડે. ધોની વિશ્વનો એક માત્ર એવો કેપ્ટન છે કે જેણે પોતાના દેશને મર્યાદિત ઓવર્સની ત્રણેય મોટી સ્પર્ધામાં જીતાડ્યું હોય. ધોનીએ ભારતને ૨૦૧૧માં વન ડે વર્લ્ડકપ જીતાડ્યો એ પહેલાં ૨૦૦૭માં  ટી -૨૦ વર્લ્ડકપ જીતાડ્યો હતો. મિનિ વર્લ્ડકપ ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફી પણ ભારત ધોનીના નેતૃત્વમાં ૨૦૧૩માં જીત્યું હતુ. ભારતનો કોઈ કેપ્ટન આ રેકોર્ડની બરાબરી કરી શકશે કે કેમ તેમાં શંકા છે. પણ અત્યાર સુધી તો વિશ્વમાં પણ કોઈ કેપ્ટન ધોનીના આ રેકોર્ડને આંબી શક્યો નથી.  ધોનીએ ભારતને ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ અપાવી છે. તેની કારકિર્દીનો પીક પોઈન્ટ એટલે કે સર્વોચ્ચ શિખર ૨૦૧૧ના વર્લ્ડકપની ફાઈનલ છે.  આ ફાઈનલમાં ધોનીએ એક બેટ્સમેન તરીકે જે ઈનિંગ્સ રમી એવી ઈનિંગ્સ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં બહુ ઓછી જોવા મળી છે. 
કુલસેકરાની ઓવરમાં સિક્સર ફટકારીને ધોનીએ સ્ટાઈલમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું એ શોટ ધોનીનો ટ્રેડમાર્ક શોટ બની ગયો છે. ૨૦૧૧ની ફાઈનલ લોકોના માનસમાં જડાઈ ગઈ. આ ઉપરાંત અનેક ઈનિંગ્સમાં ધોની લીડર તરીકે રમ્યો છે. આ બધી ઈનિંગ્સ ધોનીને ક્યા સંજોગોમાં કેવી બેટિંગ કરવી તેની ખબર છે તેના પુરાવારૂપ છે. ભારતીય ક્રિકેટ ટીમમાં ક્રિકેટરોનો જે નવો ફાલ આવ્યો છે એ હીરોગીરી કરીને છવાઈ જવા મથ્યા કરે છે. રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીમાં તેમના પર અંકુશ મૂકવાની તાકાત છે કે કેમ તેવો સવાલ ઉઠવા માંડ્યો છે. ૨૦૧૫ના વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટીમનો ભૂંડો પરાજય થયો હતો. જયારે ૨૦૧૭માં પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ઇજજતનો કચરો થયો હતો. ૨૦૧૯ના વર્લ્ડ્કપની સેમી ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડ સામે ૨૩૧ રન જેવો મામૂલી સ્કોર પણ ભારતની ટીમ પાર કરી શકી ન હતી.
જે પછી ગયા વરસે ઓસ્ટ્રેલિયા સામે ૩૬ રનમાં ઓલઆઉટ થતા આખી દુનિયામાં નાલેશીભરી હાર માટે ભારતીય ટીમનું નામ લેવાતુ થઈ ગયુ હતુ. છેલ્લે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ બેજવાબદારીભરી બેટિંગ કરીને કોહલીની ટીમ હારી ગઈ હતી. કોહલી આ બધી મેચોમાં જવાબદારીભરી બેટિંગ કરીને ટીમના યુવા ખેલાડીઓમાં આદર્શ બનવામાં ઉણો ઉતર્યો છે પરંતુ ટીમ જીતી શકી નથી.
તેથી હવે ધોની ‘મેન્ટર’ તરીકે ટીમના ખેલાડીઓમાં જવાબદારીથી રમવાની ભાવના તો પેદા કરશે જ તેમાં શંકા નથી. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કર્તાહર્તા બન્યા એ પછી બંને જે રીતે વર્તે છે તેના કારણે પણ ભારતને ધોની જેવા ‘મેન્ટર’ની જરૂર છે. કોહલી અને શાસ્ત્રી મેરિટના આધારે નહીં પણ પોતાના માનીતા કોણ તેના આધારે ટીમ નક્કી કરે છે. તેના કારણે ટેલેન્ટેડ ખેલાડીઓને પણ તક મળતી નથી. સૂર્યકુમાર યાદવ જેવા સારા ખેલાડીને અત્યારે તક મળતી નથી એ તાજો પુરાવો છે. 
ધોનીને ટીમનો ‘મેન્ટર’ બનાવાયો તેની સામે વાંધો પણ ઉઠાવાયો છે અને બોર્ડને ફરિયાદ પણ મળી છે. ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ચેન્નાઈ સુપર કિંગ (સીએસકે)નો કેપ્ટન છે અને બીજી તરફ તેને ભારતીય ટીમનો ‘મેન્ટર’ બનાવાતાં હિતોનો ટકરાવ થાય છે એવી રાવ સંજીવ ગુપ્તા નામના સજજને નાખી છે. 
સંજીવ ગુપ્તા મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા હતા. આ પહેલાં રાહુલ દ્રવિડ સહિતના ક્રિકેટરો સામે અરજી કરીને તેમને બે હોદ્દા પૈકી એક હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં ગુપ્તા સફળ રહ્યા છે. તેથી આ વખતે પણ તેમણે ધોની સામે અરજી કરી નાંખી છે. સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટમાં સાફસૂફી કરવા માટે જસ્ટિસ લોઢા કમિટી બનાવી હતી. લોઢા કમિટીએ ઢગલો ભલામણ કરી, તેના આધારે બોર્ડના બંધારણમાં સંખ્યાબંધ સુધારા કરાયા છે.
જસ્ટિસ લોઢાએ કરેલી ભલામણોમાં એક ભલામણ એ પણ હતી કે, કોઈ પણ વ્યક્તિ બોર્ડમાં બે હોદ્દા ના ભોગવી શકે. બોર્ડે તેના બંધારણની કલમ ૩૮ (૪) હેઠળ આ ભલામણને નિયમ બનાવ્યો છે. ગુપ્તાએ આ નિયમ હેઠળ જ ધોનીને ‘મેન્ટર’ બનાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. બોર્ડે પોતાની લીગલ ટીમ સાથે ચર્ચા કર્યા પછી આ મામલે નિર્ણય લેવાનું એલાન કર્યું છે. બોર્ડ શું નિર્ણય લેશે એ ખબર નથી. પરંતુ અત્યારે ભારતીય ક્રિકેટની જે હાલત છે એ જોતાં બોર્ડે આ વાંધાને કચરાટોપલીભેગો કરવાની જરૂર છે.  રવિ શાસ્ત્રી કે વિરાટ કોહલીના ભરોસે ભારતીય ટીમ વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધા જીતી શકે તેમ નથી એ વાત વારંવાર સાબિત થઈ ચૂકી છે. આ સંજોગોમાં ધોનીને મેન્ટર’ બનાવવાનો સારો નિર્ણય કાનૂની આંટીઘૂટીમાં અટવાઈ ન જાય તો સારુ.