ધોનીને 5 વર્ષની દીકરી સાથે રેપની ધમકી આપી, ઈરફાન પઠાણે આપ્યો જડબાતોડ જવાબ; નગ્માએ PMને કર્યા સવાલ

October 10, 2020

પટણા  : IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીના પર્ફોર્મન્સથી નારાજ ફેંસે સોશિયલ મીડિયા પર તમામ હદોને પાર કરી દીધી છે. ટ્રોલર્સે ધોનીની પત્ની સાક્ષીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની 5 વર્ષની દીકરી જીવા સાથે રેપ કરવાની ધમકી આપી છે. અભિનેત્રી નગમાએ આ વાતની ટીકા કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું છે કે દેશમાં આ શુ થઈ રહ્યું છે?

સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ ટ્રોલર્સની આ ગંદી હરકત સામે અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ ભારતીય ફાસ્ટર બોલર અને ક્રિકેટ કોમેન્ટેટર ઈરફાન પઠાણે પણ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

પઠાણે એક ટ્વિટ કરીને લખ્યું છે કે, દરેક ખેલાડી તેમનું સારુ પર્ફોમન્સ આપી રહ્યા છે, અમુકવાર તેમને સફળતા નથી મળતી પરંતુ તેનાથી કોઈને એવો હક નથી મળી જતો કે તેઓ નાના બચ્ચાને આ પ્રકારની ધમકી આપે.

નગમાએ ટ્વીટ કર્યું છે કે "એક દેશ તરીકે આપણે ક્યાં ઊભા છીએ? આ ખૂબ જ શરમજનક વાત છે કે IPLમાં KKR સામે ચેન્નઈની હાર બાદ લોકોએ ધોનીની 5 વર્ષની દીકરી સાથે રેપ કરવાની ધમકી આપી છે. મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, આપણા દેશમાં આ શું થઈ રહ્યું છે?" નગમાએ હેશટેગમાં બેટી બચાવો-બેટી પઢાઓ પણ લખ્યું.