RCBના બોલર્સ સામે ધોની બ્રિગેડ ફેલ, 37 રને દમદાર વિજય

October 11, 2020

દુબઈઃ યુએઈના દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 25મી મેચ રમાઈ. જેમાં આરસીબીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા નિર્ણય કર્યો અને કોહલીના 90 રનની મદદથી ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 169 રન બનાવ્યા. જ્યારે 170 રનના લક્ષ્યનો પીછો કરતા ધોનીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન જ બનાવ્યા. આ રીતે આરસીબીએ આ મુકાબલો 37 રને જીત્યો. ટોસ જીતી પહેલા બેટિંગ કરી આરસીબીએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 169 રન બનાવ્યા છે. આરસીબીની પહેલી વિકેટ માત્ર 13 રને પડી હતી. એરોન ફિંચ 2 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિક્કલ વચ્ચે શાનદાર ભાગેદારી થઈ. બંને મળીને 53 રન બનાવ્યા. દેવદત્ત પડિક્કલે 34 બોલમાં 33 રન બનાવ્યા. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. દેવદત્તની વિકેટ શાર્દુલ ઠાકુરે લીધી. ત્યાર બાદ એબી ડી વિલિયર્સ ક્રીઝ પર આવ્યો. પરંતુ તે ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન ભેગો થયો. તેની વિકેટ પણ શાર્દુલે લીધી. બીજી તરફ વિરાટ કોહલી છોર સંભાળીને ઉભો હતો. ડિ વિલિયર્સ બાદ વોશિંગ્ટન સુંદર 10 રન બનાવી આઉટ થયો. જ્યારે શિવમ દુબેએ 14 બોલમાં 22 રન બનાવ્યા. જ્યારે કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી. જોકે, તે સદી પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો. તેેણે 52 બોલમાં 90 રન ફટકાર્યા. જેમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ છે. દુબે અને કોહલી અંત સુધી અણનમ રહ્યા. આ રીતે આરસીબીએ ચેન્નાઈ સુપરકિંગ્સને 170 રનનો ટાર્ગેટ આપ્યો.