એરલાઈન્સની સુવિધામાં ફેરફાર અંગે ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસરની ટ્વિટ બાદ વિવાદ

May 21, 2022

  • પરિવહન મંત્રીનો ખુલાસો, અમે કોઈને સમય ઘટાડવા સુચના આપી જ નથી 
ટોરોન્ટો : કેનેડાનાં પરિવહન મંત્રીએ કેન્દ્ર સરકારે એરલાઈન્સને તેનાં ઉડ્ડયન સમયમાં કાપ મૂકવા માટે કે તેમનાં સમયપત્રકમાં ફેરફાર કરવા માટે કોઈ આદેશ આપ્યો નથી. હાલ કેટલીક વિમાની સેવાઓમાં વિલંબ થઈ રહ્યો હોવાથી સરકાર ઉપર આ આક્ષેપ કરવામાં આવ્યો હતો, તેનો મંત્રી દ્વારા આ પ્રકારે જવાબ આપવામાં આવ્યો હતો. પરિવહન મંત્રી ઓમર અલઘાબરાની ઓફિસે કેનેડિયન હવાઈમથકો ઉપર હાલની સ્થિતિ બાબતે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં જણાવાયું હતું કે, તેની સરકાર આ સમસ્યાનાં ઉકેલ માટે પ્રયત્નો કરી રહી છે. જો કે, તેમણે એરલાઈન કંપનીને સમયમાં કાપ મૂકવા બાબતે સીધો જવાબ આપ્યો નહોતો. અમારી સરકારે એરલાઈન્સ કંપનીઓને તેમની ફ્લાઈટના સમયમાં કાપ મૂકવાનું ક્યારેય કહ્યું નથી અને ભવિષ્યમાં પણ કહેવાના નથી. ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર જે એર કેનેડામાં કામ કરતા હતા, તેમણે કરેલાં એક ટ્વિટને કારણે આ હોબાળો મચ્યો હતો. ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે, એરલાઈન્સને તેમનો ઉડ્ડયનનો સમય ઓછો કરવાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે અને તેને કારણે હવાઈમથકો પર આ ગરબળ ઊભી થઈ છે.