નિર્ભયાના અપરાધીને વકીલ આપવા કોર્ટના આદેશથી વિવાદ

February 13, 2020

નવી દિલ્હી :  નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવા માટે બે વખત તારીખો જાહેર કરવામાં આવી તે બાદ પણ કાયદા અને નિયમોને કારણે તેમને ફાંસીએ નથી લટકાવી શકાયા. આ સ્થિતિ વચ્ચે હવે તારીખ પર તારીખની સ્થિતિ ઉભી થઇ છે. દરમિયાન દિલ્હીની કોર્ટમાં ચાર પૈકી એક અપરાધી પવન ગુપ્તાએ વકીલની માગણી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી છે અને વકીલ ફાળવ્યો હતો. 

જે ચાર અપરાધીઓ આ કેસમાં સામેલ છે તે પૈકી એક પવન ગુપ્તાની માતાએ દિલ્હીની કોર્ટમાં કહ્યું હતું કે મારા પુત્રનો કેસ કે અપીલ માટે અમારી પાસે કોઇ જ વકીલ નથી અને આર્થિક સ્થિતિ એવી નથી કે અમે વકીલ રાખી શકીએ. બાદમાં કોર્ટના જજ ધર્મેન્દ્ર રાણાએ કહ્યું હતું કે અહીં વકીલ છે અને આ આખી ન્યાયીક પ્રક્રિયા તમને ન્યાય અપાવવા માટે જ છે. જજે બાદમાં અપરાધી પવન ગુપ્તાને વકીલ આપવા માટે ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસ ઓથોરિટી (ડીએલએસએ)ને આદેશ આપ્યો હતો. 

જોકે કોર્ટમાં હાજર નિર્ભયાના પિતાએ જજને કહ્યું હતું કે તમે અપરાધીને આ સમયે વકીલ આપીને અમારી સાથે અન્યાય કરી રહ્યા છો. બાદમાં જજે પણ સામે જવાબ આપતા કહ્યું હતું કે અપરાધીને પણ કાયદાએ કેટલાક અધિકારો આપ્યા છે. અને જો આ અધિકારોનો ઉપયોગ કર્યા વગર જ તેને ફાંસીએ લટકાવી દેવામાં આવે તો તે પણ એક પ્રકારનો અન્યાય જ કહેવાય. બાદમાં પટિયાલા હાઉસ કોર્ટની બહાર નિર્ભયાના માતા ધરણા પર બેસી ગયા હતા.