ધારાસભાની પેટાચૂંટણીમાં પક્ષપલટુઓને ટિકિટ મુદ્દે ગુજરાત ભાજપમાં અસંતોષ

June 29, 2020

- અસંતોષ ભભૂકતા સોમાભાઇ પટેલ, મંગળ ગાવિત, પ્રવિણ મારૂનો ભાજપ પ્રવેશ અટકી પડયો


અમદાવાદ- એક તરફ,અંગત કામો,નાણાં- હોદ્દા ખાતર ધારાસભ્યો પક્ષપલટો કરવા માંડયાં છે જયારે બીજી તરફ, સત્તા ટકાવી રાખવા ભાજપ પક્ષપલટુઓને હરખભેર આવકાર રહી છે જેના કારણે આજે કોંગ્રેસમુક્ત ગુજરાત અને કોંગ્રેસયુક્ત ગુજરાત થયુ છે. હાલમાં ગુજરાતમાં મંત્રીંમંડળથી માંડીને રાજ્યસભાના સભ્ય,ધારાસભ્યો મોટાભાગે મૂળ કોંગ્રેસીઓ જ છે.

આ પરિસ્થિતી વચ્ચે રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને આવેલાં પાંચ ધારાસભ્યોને કેસરિયો ખેસ તો પહેરાવી દીધો છે. હવે આ જ પક્ષપલટુઓ પેટાચૂંટણીમાં ફરી કમળના નિશાન પર ચૂંટણી લડવા બેતાબ બન્યાં છે.આ કારણોસર ભાજપમાં અસંતોષ ચરમસીમાએ પહોચ્યો છે. 

ગુજરાતમાં ધારાસભ્યોની ખરીદી કરવાનો ટ્રેન્ડ હવે ભાજપ માટે જ જોખમી બની રહ્યો છે કેમ કે,રૂપાણી સરકારમાં મંત્રી જયેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા , કુંવરજી બાવળિયા , જવાહર ચાવડાનુ મૂળ રાજકીય ગૌત્ર કોંગ્રેસ છે.

આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં કેટલાંય ભાજપના દાવેદારો ટિકિટ મેળવવા લાઇનમાં હતાં તેમ છતાંય ભાજપે મૂળ કોંગ્રેસી નરહરિ અમીનને ટિકીટ આપી રાજ્યસભાના સભ્ય બનાવ્યાં છે.ભાજપના ધારાસભ્ય આશા પટેલ , પરષોત્તમ સાબરિયા , સી.કે.રાઉલજી પણ કોંગ્રેસી છે. આ વખતે  રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતાં તે પૈકી બ્રિજેશ મેરઝા,જે.વી.કાકડિયા,પ્રદ્યુમનસિંહ જાડેજા,અક્ષય પટેલ , જીતુ ચૌધરીએ તો કમલમમાં જઇને કેસરિયો ખેસ પહેરી લીધો છે પણ સ્થાનિક કાર્યકરોમાં અંસંતોષની આગ ભભૂકતાં સોમાભાઇ પટેલ , મંગળ ગાવિત અને પ્રવિણ મારૂનો ભાજપ પ્રવેશ અટકી પડયો છે.
કેસરિયોખેસ પહેર્યા બાદ પક્ષપલટુ ધારાસભ્યોએ પેટાચૂંટણીમાં અમને જ ટિકીટ મળશે તેવો દાવો કર્યો છે જેના કારણે જે તે બેઠકના સ્થાનિક ભાજપના નેતાઓ કે જે પેટાચૂંટણી લડવા છેલ્લા કેટલાંય વખતથી મથામણ કરી રહ્યાં છે તે પક્ષથી નારાજ થયાં છે પરિણામે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે આ નેતાઓને કમલમ બોલાવી સમજાવવાના પ્રયાસો અત્યારથી જ શરૂ કરાયાં છે.


ભાજપના પ્રદેશના નેતાઓ પણ પક્ષપલટુઓને ટિકીટ આપવી કે કેમ તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે કેમ કે, જો પક્ષપલટુઓ હારે તો પંચાયતો-પાલિકાની ચૂંટણી પર અસર થાય તેમ છે.ભાજપના આમ કાર્યકરો એક વાત કહી રહ્યાં છેકે, જો પરિસ્થિતી રહી તો એક દિવસ મૂળ ભાજપના કાર્યકરો કોરાણે મૂકાઇ જશે અને કોંગ્રેસમાંથી આવેલાં પક્ષપલટુ નેતા-સમર્થકોનો ભાજપ પર કબજો હશે.