ફી ન ચૂકવી શકે તો વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ્દ ન કરો, શાળાઓને કોર્ટનો આદેશ

June 27, 2020

- ઓનલાઇન શિક્ષણની આડમાં ફી ચૂકવવા દબાણ : પિટિશન


અમદાવાદ- ખાનગી શાળાઓમાં 30મી જૂન સુધી ફી ન ચૂકવી શકનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ ન કરવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. શાળાઓ ઓનલાઇન શિક્ષણની આડમાં પહેલાં જેટલી જ ફી ચૂકવવા માટે વાલીઓ પર દબાણ કરી રહી હોવાની અને ફી ચૂકવવામાં નિષ્ફળ જનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો ડર બતાવી રહી હોવાની ફરિયાદ કરતી રિટમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.

રિટ અંગે રાજ્ય સરકારનો જવાબ માગી વધુ સુનાવણી 17મી જુલાઇના રોજ નિયત કરવામાં આવી છે. રીટ થતાં વાલીઓમાં આશા બંધાઈ છે. અરજદારની રજૂઆત છે કે લોકડાઉનના કારણે મોટાભાગના વાલીઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. આવા સમયે શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. 

આ વ્યવસ્થામાં ઓછાં સંસાધનોનો ઉપયોગ થતો હોવા છતાં શાળાઓ વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી ચૂકવવા માટે દબાણ કરી રહી હોવાની ફરિયાદ અરજદાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાવવા માટે વાલીઓએ ઘરે સંસાધનો પણ વસાવવા પડે તેમ છે, જે ઘણાંખરા વાલીઓ માટે ખર્ચાળ છે.

રિટમાં ઉપસ્થિત મુદ્દાઓને ધ્યાને લઇ હાઇકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકાર ખઆનગી શાળાઓના વહીવટમાં હસ્તક્ષેપ કરવાનું પસંદ નહીં કરતી હોય પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા રાજ્ય સરકાર ખાનગી શાળાઓ સાથે વાટાઘાટ કરી ફી અંગે કોઇ આયોજન ઘડે તે ઔજરૂરી છે.  આ ઉપરાંત 30મી જૂન સુધીમાં ફી ચૂકવી ન શકનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ ન કરવામાં આવે. રાજ્ય સરકારને આ રિટના મુદ્દાઓ અંગે વહેલી તકે જવાબ રજૂ કરવાનો આદેશ આપી વધુ સુનાવણી 17મી જુલાઇના રોજ નિયત કરવામાં આવી છે.