બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર અટકતા નથી હુમલા:ઇસ્કોન અને મહાકાળી મંદિરમાં તોડફોડ, 1નું મોત

October 16, 2021

ઢાકા : બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટના અટકી રહી નથી. શુક્રવારે ટોળાંએ નાઓખાલીમાં ઇસ્કોન મંદિરમાં તોડફોડ કરી હતી. મંદિર સમિતિનો એ દાવો છે કે 200 લોકોની ભીડે ઇસ્કોનના એક સભ્ય પાર્થો દાસની નિર્દયતાપૂર્વક હત્યા કરી છે, જેમનો મૃતદેહ નજીક આવેલા તળાવમાંથી મળ્યો છે. શુક્રવારે નાઓખાલી જિલ્લામાં જ બેગમગંજ વિસ્તારમાં જતન કુમાર સાહા નામની એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા.

જ્યારે શનિવારે પણ તોફાનીઓએ મુંશીગંજમાં દાનિયાપારા મહાશોશન મહાકાળી મંદિરમાં ઘૂસીને 6 પ્રતિમા તોડી નાખી હતી. હુમલો શનિવારે સવારે 3થી 4 વાગ્યા વચ્ચે થયો હતો. મંદિરમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હતી. માટે તોફાનીઓએ કોઈ ડર રાખ્યા વિના જ પ્રતિમાને ખંડિત કરી હતી. આ હુમલામાં કોઈ વ્યક્તિને ઇજા થઈ ન હતી. દાનિયાપારાના મહાસચિવ શુવ્રત દેવનાથ વાસુએ જણાવ્યું હતું કે મંદિરનું તાળું તૂટેલું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે મંદિરમાં આ પ્રકારની ઘટના પહેલાં ક્યારેય બની નથી.