ડકૉકને સાઉથ આફ્રિકન મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો અવૉડ

July 07, 2020

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ તાજેતરમાં યોજેલી વર્ચ્યુઅલ અવૉર્ડ સેરેમનીમાં સાઉથ આફ્રિકન વન-ડે ક્રિકેટ ટીમના કૅપ્ટન ક્વિન્ટન ડિકૉક બીજી વાર સાઉથ આફ્રિકન મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો અવૉર્ડ મેળવવામાં સફળ થયો છે. જ્યારે ૨૧ વર્ષીય લૉરા વૉલ્વાડર્ટ વિમેન્સ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પોતાના નામે કરી શકી છે.

આ ઉપરાંત ડિકૉકને વર્ષનો ટેસ્ટ ક્રિકેટનો ખિતાબ પણ અપાયો હતો અને સાઉથ આફ્રિકા મેન્સ પ્લેયર્સ ઓફ ધ યર તરીકે તેના સાથીદારોએ તેને મત આપ્યો હતો. બીજી બાજુ વૉલ્વાડર્ટને પ્રોટીઝ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી અને તેણે સાઉથ આફ્રિકા મહિલા ખેલાડીઓનો વર્ષની શ્રેષ્ઠ ખેલાડી માટેનો મત મેળવ્યો હતો.

સાઉથ આફ્રિકા મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો અવૉર્ડ મેળવનાર ડિકૉક છઠ્ઠો પ્લેયર છે. એ પહેલાં જૅક કૅલિસ (૨૦૦૪ અને ૨૦૧૧), મખાયા એન્ટિની (૨૦૦૫ અને ૨૦૦૬), હાશિમ અમલા (૨૦૧૦ અને ૨૦૧૩), એબી ડિવિલિયર્સ (૨૦૧૪ અને ૨૦૧૫) અને કેગિસો રબાડા (૨૦૧૬ અને ૨૦૧૮) આ અવૉર્ડ જીતી ચૂકયા છે. આ પ્રસંગે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ બન્ને પ્લેયરનાં વખાણ કર્યાં હતાં.