ઈંગ્લેન્ડમાં દૂકાળની સ્થિતિ : થેમ્સ નદીમાં જળનો જથ્થો ઘટયો

August 13, 2022

ઈંગ્લેન્ડના કેટલાય વિસ્તારોમાં દૂકાળની સ્થિતિ જાહેર કરી દીધી છે. સરકારે સત્તાવાર જાહેરાત કરી દીધી હોવાથી હવે કમર્શિયલ હેતુથી પાણીનો વપરાશ ઓછો થઈ જશે. ખેતી અને પશુપાલનને પણ પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડે એવી દહેશત છે. આખાય બ્રિટનમાં હીટવેવનો બીજો રાઉન્ડ શરૃ થઈ જતાં જનજીવન બેહાલ થઈ ગયું છે. લંડનની થેમ્સ નદીનો પાણીનો જથ્થો સૂકાવા લાગ્યો છે. ૧૯૩૫ પછી પહેલી વખત આ વર્ષે ઈંગ્લેન્ડમાં ઓછો વરસાદ પડયો છે.
બ્રિટનની સરકારે ઈંગ્લેન્ડના કેટલાય વિસ્તારોમાં દૂકાળની સ્થિતિ જાહેર કરી છે. બ્રિટિશ પાણી પૂરવઠા મંત્રી સ્ટીવ ડબલે જણાવ્યું હતું કે બ્રિટન બીજા હીટવેવનો સામનો કરી રહ્યું છે. તાપમાનનો પારો સતત ઊંચો ચડતો હોવાથી લોકો બેહાલ થયા છે. જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આ વર્ષે વરસાદ ઘણો જ ઓછો પડયો હોવાથી પાણીની અછત સર્જાવા લાગી છે. રાષ્ટ્રીય દૂકાળ સમિતિના  સભ્યો, પર્યાવરણ એજન્સીઓ, નિષ્ણાતો, પાણી પૂરવઠા કંપનીઓ સાથે વાતચીત અને સલાહસૂચન કર્યા બાદ બ્રિટિશ સરકારે કેટલાક વિસ્તારોમાં દૂકાળની પરિસ્થિતિ જાહેર કરી છે. પાણી પૂરવઠા મંત્રી સ્ટીવ ડબલે કહ્યું હતું કે ઘરવપરાશનો પૂરવઠો ન ઘટે એ માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પાણી પૂરવઠા કંપનીઓએ ધરપત બંધાવી છે કે પાણીનો પૂરવઠો ઘટવા દેવાશે નહીં, તેમ છતાં લોકો જળ બચાવે તે જરૃરી છે. એ સિવાય ખેતી અને પશુપાલનના ક્ષેત્રમાં આ વર્ષે પાણીની અછતનો સામનો કરવો પડે એવી પૂરી શક્યતા છે. વળી, જંગલના સજીવોને પણ પૂરતું પાણી ન મળે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અગાઉ બ્રિટનમાં ૨૦૧૮માં કેટલાક ભાગોમાં દૂકાળ પડયો હતો. એ પહેલાં ૨૦૧૧માં દૂકાળની સ્થિતિ જાહેર કરવી પડી હતી. જોકે, આ વખતની સ્થિતિ એ બંને વર્ષો કરતાં ઘણી અલગ છે. ભારે તાપમાનના કારણે નદી-તળાવોમાં પાણીનો જથ્થો સતત ઓછો થવા લાગ્યો છે. થેમ્સ નદીનું જળસ્તર નીચું ગયું છે. કેટલાક એક્સપર્ટ્સ તો ત્યાં સુધી કહે છે કે દૂકાળની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને એજન્સીઓ બિલકુલ તૈયાર જણાતી ન હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.