ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધુ રૂ. 50નો વધારો ઝીંકાયો, કોમર્શિયલમાં રાહત

July 06, 2022

નવી દિલ્હી : તાજેતરના દિવસોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થયેલા ઘટાડા બાદ હવે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસ વિતરણ કંપનીઓએ બુધવારે સવારે કુકિંગ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો જાહેર કર્યો છે. જોકે તાજેતરના એક સપ્તાહની અંદર કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ પર ફરી રાહત મળી છે. 

ઈન્ડિયન ઓઈલની તાજેતરની અપડેટ પ્રમાણે સબસિડી વગરના 14.2 કિગ્રા વજનના એક સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં 14 કિગ્રા વજનના સિલિન્ડરની કિંમત 1,003 રૂપિયાથી વધીને નવા વધારા સાથે 1,053 રૂપિયા થઈ ગઈ છે. 

પ્રથમ વખત ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે અને સામે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. ગત તા. 1 જુલાઈના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમતમાં આશરે 9 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં 19 કિગ્રા વજનના એક કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2,012 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તેની કિંમત 2,022 રૂપિયા હતી. આ નવી કિંમતો આજથી જ દિલ્હીમાં લાગુ થઈ ગયો છે.