રશિયાના બોમ્બમારામાં ડોનબાસ સંપૂર્ણ તબાહ : ઝેલેન્સ્કી

May 21, 2022

રશિયા અને યૂક્રેન વચ્ચેનાં યુદ્ધને 84 દિવસ થવા આવ્યા છે, આમ છતાં ટચૂકડું યૂક્રેન રશિયા સામે બાથ ભીડી રહ્યું છે અને તેનો સામનો કરી રહ્યું છે. યૂક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીનો વધુ એક વીડિયો ગુરુવારે બહાર આવ્યો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે રશિયાના ભીષણ બોમ્બમારા અને મિસાઇલ્સમારામાં ડોનબાસ સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે.

રશિયાના સૈનિકોએ પુતિનના ઈશારે ડોનબાસને નર્ક બનાવી દીધું છે. રશિયાએ ફરી તેનું આક્રમણ તેજ કર્યું છે અને વધુને વધુ યૂક્રેનીઓને મારી નાંખવાના આદેશ આપ્યા છે. રશિયા ફરી નરસંહાર કરી રહ્યું છે. દરમિયાન રશિયા દ્વારા વિલ્ખિવકા ગામ પર બોમ્બમારો કરીને અનેક ઘરનો નાશ કરવામાં આવ્યો છે.

મારિયુપોલના એઝોવસ્ટલ કોમ્પ્લેક્સમાંથી 1700થી વધુ યૂક્રેની સૈનિકોએ શરણાગતિ સ્વીકારી છે. અમેરિકાએ ઈમરજન્સી ફૂડ ક્રાઈસિસનો સામનો કરવા માટે 2.3 અબજ ડૉલરની સહાય જાહેર કરી છે. યૂક્રેનને મોકલવામાં આવેલી માનવીય સહાય તેમજ અનાજનો જથ્થો બ્લેક સીમાં નહીં રોકવા અમેરિકા તેમજ અન્ય દેશોએ રશિયાને અપીલ કરી છે.