સુશાંત કેસને બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો ના બનાવો : સીએમ ઉદ્ધવ ઠાકરે

August 01, 2020


મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા મામલે તપાસ કરવા ગયેલી બિહાર પોલીસ સાથે મુંબઈ પોલીસના અધિકારીઓનું ખરાબ વર્તન રાજકીય મામલો બની રહ્યો છે. બિહારના અધિકારીઓને મીડિયા સાથે વાત ના કરવા દેવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હસ્તક્ષેપ કરવો પડ્યો છે.

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
ઉદ્ધવ ઠાકરેએ સુશાંતના કેસમાં થઈ રહેલી નિવેદનબાજી પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મુંબઈ પોલીસે સમર્થન આપ્યું છે. સીએમએ કહ્યું, "મુંબઈ પોલીસ નકામી નથી. જો કોઈની પાસે પુરાવા છે તો અમારી પાસે પહોંચાડવામાં આવે. અમે તેના આધારે આરોપીઓની પૂછપરછ કરીશું અને જે પણ દોષિતો છે તેમને સજા પણ કરીશું. મારી અપીલ છે કે આ કેસને મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચે ઝઘડાનું કારણ ના બનાવશો."

​તપાસ માટે મુંબઈ પહોંચી છે બિહાર પોલીસ
આ મામલો ત્યાંથી શરુ થયો જ્યારે બિહાર પોલીસે મુંબઈ પોલીસ પાસે મદદ માગી હતી અને તે મળી નહીં. શુક્રવારે સાંજે બિહાર પોલીસના અધિકારીઓ તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા.