ઈદની નમાઝ દરમિયાન અફઘાનિસ્તાનમાં રૉકેટ હુમલો, રાષ્ટ્રપતિ હતા નિશાને

July 20, 2021

અફઘાનિસ્તાનમાં ઈદની નમાઝ દરમિયાન રૉકેટ હુમલો થયો છે. રિપોર્ટ પ્રમાણે કાબુલમાં આ હુમલો જે જગ્યાએ થયો ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન અત્યંત નજીક છે. આ હુમલાને લઈને માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની નિશાને હતા. શરૂઆતની જાણકારી પ્રમાણે બકરી ઈદની નમાઝના કારણે મોટી સંખ્યામાં લોકો કાબુલના એક મેદાનમાં ભેગા થયા હતા, ત્યારે એક પછી એક રોકેટ ત્યાં પડ્યા.

અત્યારે હુમલામાં થયેલા નુકસાનની જાણકારી સામે આવી નથી. અફઘાનિસ્તાનના કંદહારમાં 16 જુલાઈના તાલિબાનીઓ અને સિક્યુરિટી ફોર્સેસની અથડામણ દરમિયાન ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીનું મોત થઈ ગયું હતું. તેઓ ન્યૂઝ એજન્સી રૉયટર્સ માટે કામ કરતા હતા. 2018માં તેમને પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્પિન બોલ્ડક જિલ્લામાં દાનિશ વર્તમાન સ્થિતિને કવર કરી રહ્યા હતા. અફઘાનિસ્તાનની સ્પેશિયલ ફોર્સેસ જ્યારે એક રેસ્ક્યૂ મિશન પર હતી ત્યારે દાનિશ તેમની સાથે હતો.

અફઘાનિસ્તાનના જે સ્પિન બોલ્ડક વિસ્તારમાં 16 જુલાઈના ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી ત્યાં હવે તાલિબાન અને પાકિસ્તાનના ઝંડાઓ સાથે ફરકતા જોવા મળી રહ્યા છે. તાલિબાન માટે પાકિસ્તાનનું સમર્થન ખુલીને સામે આવી ગયું છે. હાલમાં જ પાકિસ્તાનના 10 હજાર સૈનિકોને અફઘાનિસ્તાન વૉર ઝોનમાં મોકલવામાં આવ્યા છે જેથી તેઓ આતંક ફેલાવવામાં તાલિબાનનો સાથ આપી શકે અને ભારતના બનાવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બરબાદ કરી શકે.