અમેરિકાના ફુગાવાના આંકથી ભૂકંપ: શેરબજાર તૂટ્યા, રૂપિયામાં કડાકો

September 14, 2022

અમદાવાદ : મંગળવારે અમેરિકામાં ગ્રાહક ભાવાંકથી આંકવામાં આવતી મોંઘવારીના આંકડા જાહેર થયા હતા. મોંઘવારી અપેક્ષા કરતા વધારે આવતા ફેડરલ રિઝર્વ આવતા દિવસોમાં ફરી આક્રમક રીતે વ્યાજ દર વધારશે એવી અપેક્ષાએ શેરબજારમાં કડાકો બોલ્યો હતો. અમેરિકન શેરબજારમાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ 1276 પોઇન્ટ ઘટી બંધ આવ્યો હતો. અન્ય ઇન્ડેક્સમાં પણ ત્રણ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

અમેરિકન બજારના પગલે આજે એશિયાઇ શેર પણ ઘટી ગયા છે. જાપાનમાં નિક્કી ઇન્ડેક્સ અઢી ટકા કે 750 પોઇન્ટ ઘટેલો છે. ચીન, કોરિયા અને હોંગકોંગમાં પણ શેરઆંક ઘટેલા છે.

મંગળવારે નિફ્ટી ઇન્ડેક્સ 18,000ની સપાટી ઉપર બંધ આવ્યા પછી એશિયાની સાથે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી આજે 162 પોઇન્ટ અને સેન્સેકસ 569 પોઇન્ટ તૂટયા છે.

શેરબજારમાં વિદેશી ફન્ડ્સની ખરીદીથી છેલ્લા ચાર દિવસથી વધી રહેલો રૂપિયો આજે 45 પૈસા ઘટી 79.60 ખુલ્યા પછી અત્યારે 79.54ની સપાટી ઉપર છે.

વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સ એક ટકા વધી 109.85ની સપાટી ઉપર છે. ડોલર આજે ચીનના યુઆન, યુરો અને જાપાનીઝ યેન સામે ઉછળ્યો છે.