અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 950નાં મોત:6.1ની તીવ્રતાનો ભૂકંપ, 600 લોકો ઘાયલ; પાકિસ્તાનમાં પણ ઝટકા અનુભવાયા

June 22, 2022

અફઘાનિસ્તાનમાં આજે સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ 950થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 600થી વધારે ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 40 કિલોમીટર દૂર હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા પૂર્વ પત્કિતાના બરમલ, ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં અનુભવાયા હતા. ભૂકંપની અસર 500 કિમી વિસ્તારમાં જોવા મળી હતી. આ કારણે પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.સરકારના પ્રવક્તા બિલા કરીમીએ ટ્વીટ કર્યું છે કે કાલે રાતે પત્કિકાના ચાર જિલ્લામાં ભયાનક ભૂકંપ આવ્યો છે, જેમાં અમારા ઘણા દેશવાસીઓનાં મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. અમે દરેક ઈમર્જન્સી એજન્સીઓને અપીલ કરીએ છીએ કે તેઓ તેમની ટીમ મોકલે અને લોકોને બચાવવામાં મદદ કરે.અફઘાનિસ્તાનની સરકારી ન્યૂઝ એજન્સીના રિપોર્ટર અબ્દુલ વાહિદ રાયને ટ્વીટ કરીને જણાવ્યું છે કે પત્કિતાના બરમલ, ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં મૃતકોની સંખ્યા 255 થવા આવી છે, જ્યારે 155 લોકો ઘાયલ છે. લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.