ઇડીએ આપના સસ્પેન્ડેડ કાઉન્સિલર તાહિર હુસૈન, પીએફઆઈ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો

March 12, 2020

નવી દિલ્હી : ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના કોન્સ્ટેબલ અંકિત શર્માની હત્યા સહિત દિલ્હી હિંસાના અનેક કેસમાં આરોપી એવા આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કાઉન્સિલર તાહિર હુસૈનની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે અને તે ઈડીના સકંજામાં ઘેરાયા છે. ઈડીએ આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કાઉન્સિલર તાહિર હુસૈન વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ મામલે કેસ નોંધીને તેની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

આઈબી કોન્સ્ટેબલ અંકિત શર્માની હત્યા સહિત દિલ્હી હિંસાના અનેક કેસમાં આરોપી તાહિર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સાથે સંબંધ ધરાવતો હોવાની વાતો પણ સામે આવી છે જેથી તે દિશામાં તપાસ તેજ કરી દેવામાં આવી છે. કેસ નોંધ્યા બાદ ઈડીએ દિલ્હી હિંસા માટે તાહિરે નાણાં ક્યાંથી એકત્રિત કરેલા તે દિશામાં તપાસ આરંભી છે. આ સાથે જ પીએફઆઈ વિરૂદ્ધ પણ એક નવો કેસ નોંધવામાં આવ્યો છે. 

દિલ્હી પોલીસે 24-25 ફેબુ્રઆરીના રોજ ઉત્તર પૂર્વીય દિલ્હી ખાતે થયેલી હિંસા મામલે તાહિર હુસૈન વિરૂદ્ધ ચાર કેસ નોંધ્યા હતા જેમાં આઈબી કોન્સ્ટેબલ અંકિત શર્માની હત્યાનો કેસ પણ સામેલ છે. અંકિતના પિતાની ફરિયાદના આધારે પોલીસે તે ફરિયાદ નોંધી હતી અને બાકીના કેસ સીસીટીવી ફુટેજના આધારે નોંધવામાં આવ્યા છે.