ચૂંટણી પૂરી થયા પછી સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ લાદવાની ચૂંટણી પંચની ચેતવણી

April 11, 2021

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળાં લગાવવાનો પ્રયાસ કરતાં તમામ રાજકીય પક્ષોને ચેતવણી આપી હતી કે પિૃમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બાકી રહેલા તબક્કાઓમાં પ્રચાર રેલીઓ અને સભાઓમાં કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં કરાય તો તે રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ લાદતાં ખચકાશે નહીં. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો દ્વારા કોરોનાના સુરક્ષા નિયમોનું પાલન નહીં કરાય તો તેમની રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ લદાઈ શકે છે.  અત્યાર સુધી ચૂંટણી પંચના ધ્યાનમાં આવ્યું નહોતું કે ચૂંટણી રેલીઓ અને સભાઓમાં કોરોના ગાઇડલાઇનનું કોઈ પાલન કરાતું નથી. તેની આ લાપરવાહીના કારણે પિૃમ બંગાળમાં છેલ્લા ૩૦ દિવસમાં દૈનિક કોરોના કેસની સંખ્યામાં ૧૫ ગણો વધારો થયો છે. એક્ટિવ કેસની સંખ્યા છેલ્લા એક મહિનામાં ૬ ગણી વધી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૩,૬૪૮ કેસ નોંધાયાં હતાં અને ૮ દર્દીનાં મોત થયાં હતાં.  પંચે જણાવ્યું હતું અમારા ધ્યાનમાં આવ્યું છે કે ચૂંટણી સભાઓ અને રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા વગેરે નિયમોનું પાલન કરાતું નથી. ઉમેદવારો, રાજકીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા નથી. રાજકીય પાર્ટીઓ આ રીતે કોરોનાનો પ્રસાર કરી રહી છે. અમારા દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન કરવામાં આવે.   ૩ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પૂરી થયાના ૩ દિવસ પછી ચૂંટણી પંચ દ્વારા આ ચેતવણી જારી કરાઈ છે.