UNની સલામતી સમિતિના બિનકાયમી સભ્યોની ચૂંટણી જુન મહિનામાં યોજાશે

May 31, 2020

સંયુક્ત રાષ્ટ્રસંઘ : સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા એની સલામતી સમિતિના પાંચ બિનકાયમી સભ્યોની આગામી મહિનાની ચૂંટણી કોરોના વાઈરસના પ્રતિબંધોના લીધે મતદાનની નવી વ્યવસ્થા અંતર્ગત યોજશે. સમિતિની એશિયા- પેસિફિક બેઠક માટે ભારત એકમાત્ર ઉમેદવાર હોઈ એની જીત નિશ્ચિત છે.

૧૯૩ સભ્યોની મહાસભાએ કોરોના વાઈરસના વિશ્વ વ્યાપી ઉપદ્રવ દરમિયાન પ્લેનરી મીટિંગ વિના ગુપ્ત મતદાન દ્વારા ચૂંટણી- આયોજનની પધ્ધતિના મથાળા સાથે ઉપરોક્ત નિર્ણય કર્યો છે.

આ નિર્ણયના પગલે સલામતી સમિતિના બિનકાયમી સભ્યોની ચૂંટણી તથા આર્થિક અને સામાજિક સમિતિના સભ્યોની ચૂંટણી પ્લેનરી મીટિંગ વિના જુન ૨૦૨૦માં સાથે યોજાશે.

૧૫ દેશોની સલામતી સમિતિના પાંચ બિન- કાયમી સભ્યોની ૨૦૨૧-૨૨ની ટર્મ માટેની ચૂંટણી મૂળભૂતપણે ૧૭ જુને યોજાવાની હતી.

ભારત બિન- કાયમી સભ્યપદ માટેનું ઉમેદવાર છે. એશિયા પેસિફિક જૂથના દેશોની આ બેઠક માટે ભારત એકમાત્ર ઉમેદવાર હોવાથી એની જીત નિશ્ચિત છે.

ગયા વર્ષે જુનમાં ભારતની ઉમેદવારીને ચીન અને પાકિસ્તાન સહિતના એશિયા પેસિફિક જૂથના ૫૫ સભ્યોએ સર્વાનુમતે મંજુરી  આપી હતી.

ચૂંટણી માટેની મતદાન- પધ્ધતિમાં કોઈ ફેરફાર થશે તો પણ ભારતની જીતને કોઈ વિપરિત અસર પહોંચે એમ નથી. એની ટર્મ જાન્યુઆરી, ૨૦૨૧થી શરૂ થશે.

પરંપરા મુજબ, સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિની ચૂંટણી રાષ્ટ્રસંઘના મહાસભા હોલમાં યોજાય છે, જ્યાં તમામ ૧૯૩ સભ્યો વ્યક્તિગત પણે ગુપ્ત મતદાન દ્વારા પોતાનો મત આપે છે. જો કે હમણાં વિશ્વવ્યાપી કોરોના વાઈરસના ઉપદ્રવના લીધે કે રાષ્ટ્રસંઘના વડા મથકે જુનના અંત સુધી રૂબરૂ બેઠકો મોકુફ રખાઈ છે.