નફરતની રાજનીતિને જાકારો, 16મીએ કેજરીવાલ સીએમ તરીકે શપથ

February 12, 2020

નવી દિલ્હી :  દિલ્હીમાં મળેલી પ્રંચડ જીત બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં સતત ત્રીજી વખત સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ જાહેરાત કરતા કહ્યુ હતુ કે, દિલ્હીમાં પહેલી વખત વિકાસની રાજનીતિને સન્માન મળ્યુ છે. દિલ્હીના લોકોએ નફરતની રાજનીતિને નકારી કાઢી છે. જેના કારણે આમ આદમી પાર્ટીને સતત બીજી વખત બમ્પર જીત મળી છે.

તેમણે કહ્યુ હતુ કે, દિલ્હીની જનતા કામને પસંદ કરે છે. કામનુ અને વિકાસનુ રાજકીય મોડેલ માત્ર કેજરીવાલ પાસે છે. લોકોને સસ્તી વીજળી આપવી, પાણી પહોંચાડવુ જ સાચી દેશભક્તિ છે.

તેમણે વધુમાં ક્હયુ હતુ કે, દિલ્હીના લોકોએ સંદેશ આપ્યો છે કે, કેજરીવાલ અમારો દીકરો છે.

આ પહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક મળી હતી. જેમાં અરવિંદ કેજરીવાલને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.