રોજગારીની સમસ્યાથી બે તૃતીયાંશ શ્રમિકો શહેરોમાં આવવા મજબૂર

August 04, 2020

નવી દિલ્હી : દેશના ૧૧ રાજ્યોના ગ્રામીણ વિસ્તારોમાં વસી રહેલા ૪૮૩૫ ઘરપરિવારોના હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એ હકીકત સામે આવી છે કે બે તૃતીયાંશ જેટલા માઇગ્રન્ટ શ્રમિકો શહેરોમાં પાછા ફરી ચૂક્યા છે કે પછી પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. લોકડાઉનની અસર, ગામડાઓમાં કુશળ કામદારો માટે રોજગારીની તક ના હોવાથી વળતા શહેરભણીના માઇગ્રેશનની શક્યતા ચકાસવા આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સર્વેક્ષણની આંકડાકીય માહિતી મુજબ શહેરમાંથી પાછા ફરેલા માઇગ્રન્ટ શ્રમિક સભ્યો ધરાવતા ૧૧૯૬ પરિવારો પૈકી ૭૪ ટકા પરિવારો મહામારીની સ્થિતિને કારણે શહેરોમાંથી ગામડે પાછા આવ્યા હતા અને હવે ૨૯ ટકા જેટલા શ્રમિકો મેટ્રો શહેરોમાં પાછા ફરી ચૂક્યા છે. હજી પણ ગામડામાં રોકાણ કરી રહેલા ૪૫ ટકા શ્રમિકોનું કહેવું છે કે તેઓ શહેરમાં પાછા ફરશે. સર્વેક્ષણમાં જણાવાયું છે કે, મેટ્રો શહેરોમાં પાછા ફરેલા પૈકી ૨૫ ટકા લોકો રોજગારીની શોધમાં છે.  ભોજનના અભાવથી પીડાઇ રહેલા લોકોની સંખ્યા ઘટી રહી છે.

લોકડાઉનને મુકાબલે હાલમાં સ્થિતિ સુધરી છે 
સર્વેક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું છે કે સરકારની લોકકલ્યાણ યોજનાઓ લોકો સુધી મોટા પ્રમાણમાં પહોંચી છે. અર્થતંત્ર અનલોક થતાં ગ્રામીણ વિસ્તારના લોકો પણ ખુશ છે. પરંતુ ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણનો ખતરો હજી ઘટયો નથી. પ્રત્યેક ચાર પૈકી એક કુટુંબને લાગે છે કે તેમને બાળકોને શાળા છોડાવવાની ફરજ પડશે. જોકે લોકડાઉનને મુકાબલે લોકમાનસમાં અને સ્થિતિઓમાં પણ સુધારો આવ્યો છે.