ઇંગ્લેન્ડ-અમેરિકાની મેચ ડ્રો:બન્ને ટીમે ગોલ કરવાના 18 પ્રયાસો કર્યા, પરંતુ બન્ને ટીમને નિરાશા હાથ લાગી

November 26, 2022

કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે મેચ રમાઈ ગઈ હતી. જેમાં આ મેચમાં ડ્રો રહી હતી. ગ્રુપ-Bની આ મેચમાં બન્ને ટીમે ગોલ કરવાના ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ 90 મિનિટ સુધીમાં બન્ને ટીમાંથી કોઈપણ ટીમ ગોલ કરી શકી નહોતી. એક્સ્ટ્રા ટાઇમમાં પણ ગોલ થયા નહોતા. તેવામાં બન્ને ટીમને એક-એક પોઇન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

આ ડ્રો પછી FIFA વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ માટે અમેરિકા સામે જીત મેળવવાની રાહ વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડની ટીમ આજ સુધી વર્લ્ડ કપમાં અમેરિકા સામે જીત મેળવી શકી નથી. આ મેચ પછી ઇંગ્લેન્ડની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા સ્થાન પર રહી છે. બે મેચ પછી તેમના કુલ ચાર પોઇન્ટ્સ થઈ ગયા છે. ઇંગ્લેન્ડે પોતાની છેલ્લી મેચમાં ઈરાનને 6-2ના મોટા અંતરે હરાવ્યું હતું. તો અમેરિકાની ટીમ સતત બે ડ્રો મેચ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને રહી છે. આ પહેલાની મેચમાં અમેરિકાએ વેલ્સની ટીમ સામે 1-1થી ડ્રોનો સામનો કરવો પડ્યો હતો.