ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડીઝને બીજી ટેસ્ટમાં 113 રને હરાવ્યું, શ્રેણી 1-1થી બરાબર

July 21, 2020

માન્ચેસ્ટર : ઈગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચમાં સોમવારે વેસ્ટ ઇન્ડીઝને 113 રનથી હરાવી 3 મેચની શ્રેણીમાં 1-1થી સરભર કરી હતી. ઇંગ્લેન્ડે 9 વિકેટે 469 રન બનાવીને પ્રથમ ઇનિંગ્સ ઘોષણા કરી હતી, ત્યારબાદ વિન્ડિઝ ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં 287 રન બનાવી શકી હતી. ઇંગ્લેન્ડે બીજા દાવને પાંચમા દિવસે 3 વિકેટે 129 રનથી ડિકલે કર્યો હતો અને વેસ્ટઈન્ડીઝની ટીમને જીતવા માટે 312 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. વિન્ડિઝની ટીમ બીજા દાવમાં પાંચમા અને અંતિમ દિવસે ફક્ત 198 રન જ બનાવી શકી હતી અને મેચ 113 રને હારી ગઈ હતી.

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 254 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 176 રન બનાવ્યા, ત્યારબાદ તેણે બીજી ઇનિંગમાં માત્ર 57 બોલમાં અણનમ 78 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પ્રથમ ઇનિંગમાં 356 બોલનો સામનો કર્યો હતો જેમાં 17 ચોગ્ગા, 2 છગ્ગા ફટકાર્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં તેણે 4 ચોગ્ગા, 3 છગ્ગા ફટકાર્યા હતા.

ઇંગ્લેન્ડના ઓપનર ડોમ સિબ્લીએ ધીમી સદી ફટકારી હતી અને પ્રથમ દાવમાં 372 બોલમાં 120 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ્સમાં 32.26 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી અને ફક્ત 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓલ્ડ રાઉન્ડર ક્રિકેટર બેન સ્ટોક્સે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી આ ટેસ્ટ મેચમાં બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું અને કુલ 3 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 29 રનમાં 1 વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઇનિંગમાં 30 રનમાં 2 વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ માટે શમર બ્રૂક્સે બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 137 બોલમાં 68 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં 62 રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડિઝ ટીમના સ્પિનર ​​રોસ્ટન ચેઝે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી પરંતુ 172 રન આપ્યા હતા. આટલું જ નહીં તેણે પહેલી ઇનિંગ્સમાં પણ અર્ધસદી ફટકારી હતી. 85 દડામાં 51 રનની શાનદાર ઇનિંગ્સ રમી. તેણે આ ઇનિંગ્સમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. જો કે બીજી ઇનિંગ્સમાં તે ફક્ત 6 રન જ બનાવી શક્યો.