ઇંગ્લેન્ડ-ઓસી. વચ્ચે આજે નિર્ણાયક વન-ડે

September 16, 2020

માન્ચેસ્ટર: ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચની શ્રોણીનો નિર્ણાયક મુકાબલો બુધવારે રમાશે. ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટિવ સ્મિથની અંતિમ વન-ડેમાં રમવાની પૂરી સંભાવના છે. શ્રોણીની પ્રથમ મેચ પહેલાં પ્રેક્ટિસ દરમિયાન સ્મિથને માથામાં બોલ વાગ્યો હતો અને તેને કનક્શન ટેસ્ટમાંથી પસાર થવું પડયું હતું. પ્રવાસી ટીમ મેનેજમેન્ટે સ્મિથને પ્રથમ બે વન-ડેમાં તબીબોની સલાહના આધારે આરામ આપ્યો હતો. સ્મિથ નેટ્સમાં પાછો ફર્યો છે અને તે બુધવારની મેચમાં રમશે. ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્મિથને પ્રેક્ટિસ દરમિયાન કોચિંગ સ્ટાફનો થ્રો માથામાં વાગ્યો હતો. શ્રોણીની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૯ રનથી તથા બીજી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે વળતો પ્રહાર કરીને ૨૪ રનથી જીતી લેતાં શ્રોણી ૧-૧થી સરભર થઇ હતી. કોચ જસ્ટિન લેંગરે જણાવ્યું હતું કે સ્મિથ શ્રોણીના નિર્ણાયક મુકાબલામાં રમશે. તેણે સોમવારે રનિંગ કરી હતી અને તે રિકવરીના માર્ગે છે. છેલ્લી મેચની પૂર્વસંધ્યાએ વધુ એક વખત અમે તેનો ફિટનેસ ટેસ્ટ લઇશું. અમે કનક્શનના તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ.