અમેરિકામાં પીપીઈ કીટ ખરીદીને મોંઘાભાવે વેચવા બદલ પાંચ કેનેડીયનો સામે ગુનો દાખલ

May 01, 2021

  • ટોળકીએ જુદાં જુદાં ર૧ ઈમેલ આઈડી અને બાવન જેટલા ચોરેલા ક્રેડીટ કાર્ડની મદદથી ખેલ કર્યો

ટોરોન્ટો : કોરોનાની મહામારી દરમિયાન અમેરિકામાં પીપીઈ કીટ અને ઈવેન્ટ ટીકીટસના મોંઘા ભાવે વ્યાપારના એક રેકેટમાં એક અમેરિકન અને પાંચ કેનેડીયનો સહિત છ વ્યકિતઓ સામે ગુનો દાખલ થયો હોવાનું યુ.એસ.ગ્રાન્ડ જયુરીએ જણાવ્યું હતું. વેસ્ટર્ન ડીસ્ટ્રીકટ ઓફ ઓકલાહોમાની યુ.એસ.એટોર્ની ઓફિસની અખબારી યાદીમાં જણાવાયું હતું કે, કેલિફોર્નયિાના લોસ એન્જલીસના એક વ્યકિત અને ઓન્ટેરિયો, કેનેડાના પાંચ વ્યકિતઓ સામે મહામારી દરમિયાન પીપીઈ કીટ અને ઈવેન્ટ ટીકીટસ મેળવી એનું મોંઘાભાવે વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું હતુ. તેથી તે તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ ત્યારથી આ પ્રવૃત્તિ શરૂ થઈ હતી. આ લોકો અમેરિકા સ્થિત મહામારી સંબંધિત ચીજોના વ્યાપાર કરનારાઓને ફસાવીને તેમની પાસેથી નાઈટ્રેલ ગ્લોવ્સ, માસ્ક અને ગાઉન ચોરેલા ક્રેડીટ કાર્ડથી ખરીદી લેતા હતા અને પછીથી એ જ ચીજો મોંઘા ભાવે વેચતા હતા. આ લોકોએ માર્ચ ર૦ર૦માં ઓકલાહોમા સીટીના પેપર સપ્લાયર પાસેથી ૧૮૦૦૦ યુએસ ડોલરની કિંમતના ટોઈલેટ પેપર્સ ખરીદ્યા હોવાનો પણ આક્ષેપ છે. આ ટોળકી મહામારી પહેલા પણ છેતરપીંડીના કામો કરતી હોવાનું પણ બહાર આવ્યું છે.
કેમ કે, આ ટોળકીએ જુદાં જુદાં ર૧ ઈમેલ આઈડી અને બાવન જેટલા ચોરેલા ક્રેડીટ કાર્ડની મદદથી ઈવેન્ટ ટીકીટો ખરીદીને મોંઘા ભાવે વેચી હતી. 
એક સમયે તેમણે ઓકલાહોમા સ્ટેટ યુનિવર્સિટીની સ્પોર્ટીંગ ઈવેન્ટની ૧૮૦૦ ટીકીટો નવેમ્બર, ર૦૧૯ અને જાન્યુઆરી, ર૦ર૦ દરમિયાન ખરીદી હતી. જેમાં તેમણે કેનેડા, ડોમિનીક રીપબ્લીક, સ્પેન, ગ્રીસ અને દુબઈ જેવા દેશોનો પણ ઉપયોગ કર્યો હોવાનું પણ યાદીમાં જણાવાયું હતું.
આ કેસની તપાસમાં પાંચ ફેડરલ અથવા રીજિયોનલ ઓર્ગેનાઈઝેશન્સ જેમાં એફબીઆઈ, હોમલેન્ડ સિકયુરીટી અને ન્યુયોર્ક સીટી પોલીસ વિભાગ સંકળાયેલા હતા. જે છ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરાયો હતો તેમાં ર૯ વર્ષીય સ્ટીવન મસ્ત્રોપ, ર૪ વર્ષીય મિરના માહરોસ હબીબ, ર૬ વર્ષીય રોબર્ટ વિનીક, ર૪ વર્ષીય કટાયુન ઓસ્કોઈ, ર૩ વર્ષીય કેરોલિના મેસ્ત્રોપ જે કેનેડાના વતની હતા અને એક માત્ર અમેરીકન ર૭ વર્ષીય ડીજોન કોર્નૈલિયસ શેપર્ડનો સમાવેશ થાય છે. 
ગ્રાન્ડ જયુરીએ ૮મી એપ્રિલે ગુનો દાખલ કર્યો હતો. આ બધા પૈકર સ્ટીવન અને વિનીક સામે વાયર ફ્રોડ અને ઓળખપત્રો ચોરવાનો પણ આરોપ છે. અત્યાર સુધીમાં માત્ર મેસ્ત્રોપની જ કસ્ટડી મેળવાઈ છે, જેની ધરપકડ જયોર્જયિાથી ગયા મહિને કરવામાં આવી હતી અને શેર્પલની ધરપકડ ૧૬મી એપ્રિલે લોસ એન્જલિસથી કરવામાં આવી હતી. લગાડવામાં આવેલા અરોપોમાં ર૦ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. આ ઉપરાંત તેમને ગુનેગાર પુરવાર થાય તો રપ૦૦૦૦ યુએસ ડોલરનો દંડ પણ થઈ શકે છે. મહામારી દરમિયાન પીપીઈ કીટ અને માસ્ક તથા હેન્ડ સેનેટાઈઝરનો મોટો વ્યાપાર ચાલ્યો હતો. જેમાં મહામારીને કારણે ભારે તેજી હતી એનો લાભ આ ટોળકી ઉઠાવતી હતી.