શહેરી મતદારોમાં પણ જ્ઞાતિવાદનો પગપેસારો પરિણામમાં પેનલો તૂટે તેવી પૂરેપૂરી શક્યતા

February 22, 2021

ગાંધીનગરઃ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના છ મહાનગરોની ચૂંટણીમાં પહેલીવાર જ્ઞાતિવાદ ચરમસીમાએ જોવા મળ્યો છે. શહેરી મતદારોએ ઉમેદવાર તરીકે વ્યક્તિ કે પક્ષને બદલે જ્ઞાતિ જોઈને મતદાન કર્યાનું બહાર આવતા ભાજપ- કોંગ્રેસના નેતાઓને વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલો તુટવાનો ભય સતાવી રહ્યો છે. ૬ કોર્પોરેશન બાદ આગામી સપ્તાહના રવિવારે ૮૧ નગર પાલિકાઓની ચૂંટણી છે. આથી, નાના શહેરોમાં પણ આ દુષણ ઘુસે તે પહેલા જ રાજકિય પક્ષોએ તેને ડામવા નેતાઓને મેદાને ઉતરવાનું નક્કી કર્યું છે. દેશમાં બીજે ક્યાંય નહિ ને ગુજરાતમાં જ સાતેક વર્ષથી શહેરી સ્વરાજ્યની સંસ્થાઓમાં એક વોર્ડમાંથી એક મતદાર દ્વારા ચાર ઉમદેવારોને ચૂંટવાની લોકતાંત્રિક વ્યવસ્થા અમલમાં આવી છે. ૫૦ ટકા મહિલા અનામતના નામે લાદી દેવાયેલીથી એક તબક્કે શહેરોમાં સમાજવાદ (સર્વજન એક સમાન) આવશે તેમ માનવામાં આવતુ હતુ. જો કે, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા આર્ર્થિક, સામાજીક અને શૈક્ષણિક સ્તરે પ્રગતિશીલ મહાનગરોમાં આ ચૂંટણીમાં શિક્ષિત અને કુલિન ખાનદાનના મતદારોમાં પણ પોતાના સમાજના ઉમેદવારને મત આપવાનું ચલણ વધ્યુ છે. જેના કારણે ભાજપના ઉમેદવારોની પેનલો તુટશે એમ મનાય છે. એક વોર્ડમાં ચાર બેઠકો માટે એક જ જ્ઞાતિના અલગ અલગ રાજકિય પાર્ટીમાંથી ઉમેદવાર હોય, અપક્ષ ઉમેદવાર હોય તો પણ મતદારોએ મહિલા અનામતના ધોરણોને સમજ્યા વગર સ્વજ્ઞાતિના ઉમેદવારોને જ મત આપ્યા છે. તેના માટે સમાજના આગેવાનો, ધર્મગુરૂઓ તરફથી અપીલો પણ કરવામાં આવી હતી. આવી જ સ્થિતિ હવે પછી યોજનારી નગરપાલિકાની ચૂંટણીઓમાં સર્જાશે તો આવનારા સમયમાં સરકારને એક વોર્ડમાંથી એક પ્રતિનિધીની મુળ લોકતાંત્રિક વ્યવસ્થા પર પરત ફરવુ પડે તો નવાઈ નહી.