ગેહલોત જૂથમાં પણ ફાટફૂટ- સાત ધારાસભ્ય જેસલમેર ન ગયા

August 01, 2020

જયપુર : રાજસ્થાનનું રાજકીય કોકડું દિવસે દિવસે વધુ ને વધુ ગૂંચવાતું જાય છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પોતાના ટેકેદાર મનાતા ધારાસભ્યોને જેસલમેરના એક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં ખસેડ્યા પરંતુ તેમના પ્રધાનમંડળના જ 11 પ્રધાનો જેસલમેર પહોંચ્યા નથી. આ બધા ગેહલોતથી નારાજ હોવાનું કહેવાય છે. સચિન પાઇલટ જૂથે એવો દાવો કર્યો હતો કે આ અગિયારમાંના કેટલાક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. આ અગિયારમાં સાત ધારાસભ્યો તો ખરેખર ગેહલોત પર ખૂબ નારાજ હોવાના અહેવાલો હતા.

આ અગિયાર ધારાસભ્યો ગમે ત્યારે પાઇલટ જૂથમાં સરકી જશે એવી અફવા સતત ફરતી રહી હતી. ખરેખર આવું બને તો વિધાનસભાની બેઠક બોલાવવાનો ગેહલોતનો દાવ ઊલટો પડશે. ગેહલોતે ત્રણ ચાર્ટર્ડ વિમાન દ્વારા 52 ધારાસભ્યોને બે ટોચના નેતાઓ જોડે જેસલમેર મોકલ્યા હતા. પરંતુ આ સમૂહમાં ગેહલોતના પ્રધાન મંડળના પ્રતાપ સિંઘ, રઘુ શર્મા,  અશોક ચાંદના, લાલચંદ કટારિયા, ઉદયલાલ આંજના અને ધારાસભ્યો સર્વશ્રી બાબુલાલ બૈરવા, બલવાન પુનિયા, પરસરામ મોરદિયા, જગદીશ જાંગિડ અને અમિત ચાચાણ નહોતા. આ સભ્યો ગેહલોતથી નારાજ હોવાની અફવા હતી.