પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં રૂા. 3નો વધારો

March 15, 2020

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજાર સસ્તા ક્રૂડ ઓઇલનો લાભ દેશની પ્રજાને આપવાને બદલે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટી વધારી દીધી છે. સરકારે આજે એક લિટર પેટ્રોલ અને ડીઝલ પર ત્રણ રૂપિયા એક્સાઇઝ ડયુટી વધારવાનો નિર્ણય લીધો છે.

સરકારના આ નિર્ણયથી સરકારની વાર્ષિક ેઆવકમાં 39,000 કરોડ રૂપિયાનો વધારો થશે. આ અગાઉ જ્યારે 2014-15માં ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા હતાં ત્યારે પણ સરકારે નીચા ક્રૂડ ઓઇલના ભાવનો લાભ ગ્રાહકોને આપવાને બદલે એક્સાઇઝ ડયુટી વધારી દઇને પોતાની આવક વધારી લીધી હતી. 

સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર એક્સાઇઝ ડયુટી વધારવાના નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે નહીં કારણકે ઓઇલ કંપનીઓ ક્રૂડના ઘટેલા ભાવ સામે આ રકમ એડજસ્ટ કરશે. 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર પેટ્રોલ પરની સ્પેશિયલ એક્સાઇઝ ડયુટી પ્રતિ લિટર બે રૂપિયા વધારી આઠ રૂપિયા કરવામાં આવી છે જ્યારે ડીઝલ પરની એક્સાઇજ ડયુટી બે રૂપિયા વધારી ચાર રૂપિય કરવામાં આવી છે. આ ઉપરાંત એક લિટર પેટ્રોલ અને ડીઝલ પરન રોડ સેસમાં પણ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

આ સાથે જ ેએક લિટર પેટ્રોલ પર કુલ એેક્સાઇઝ ડયુટી વધીને 22.98 રૂપિયા અને એક લિટર ડીઝલ પર કુલ એક્સાઇઝ ડયુટી વધીને 18.83 રૂપિયા થઇ ગઇ છે. 2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે એક્સાઇઝ ડયુટી એક લિટર પેટ્રોલ પર 9.48 રૂપિયા અને ડીઝલ પર 3.56 રૂપિયા હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ રૂપિયા એક્સાઇઝ ડયુટી વધારવાને કારણે સરકારની વાર્ષિક આવકમાં 39,000 કરોડ રૂપિયાનો વધારો થશે. ચાલુ નાણાકીય વર્ષના બાકી રહેલા ત્રણ સપ્તાહમાં સરકારની આવકમાં લગભગ 2000 કરોડ રૂપિયાનો વધારો થશે.