પેરારીવલનની મુક્તિ : SCનો નિર્ણય છતાં દોષારોપણ મોદી સરકાર ઉપર

May 21, 2022

ભારતના રાજકારણમાં હવે નજીવા મુદ્દે પણ રાજકારણ ગરમાય જાય છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી હત્યાકાંડમાં દોષિત ઠરેલા એ.જી. પેરારીવલનને સુપ્રીમ કોર્ટે છોડી મૂકવાનો આદેશ બે દિવસ પહેલા આપ્યો. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાને મળેલા વિશેષ અધિકારનો ઉપયોગ કર્યો અને કેસના આરોપી પેરારીવલનની મુક્તિ શક્ય બની. રાજીવ હત્યા કેસમાં આરોપી એવા પેરારીવલને ૩૧ વર્ષ જેલમાં ગાળ્યા છે. 
રાજીવ ગાંધીની હત્યાનું કાવતરું લંકામાં તમિલોના હીરો મનાતા પ્રભાકરને ઘડેલું. પ્રભાકરને ૧૯૭૬માં તમિલ ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (એલટીટીઈ)ની સ્થાપના કરીને શ્રીલંકામાંથી અલગ તમિલ દેશ માટે હિંસક જંગ શરૂ કરી હતી. એલટીટીઈને આતંકવાદી સંગઠન જાહેર કરાયું પણ એલટીટીઈ લશ્કરની જેમ કામ કરતું તેથી તેનો પ્રભાવ ના ઘટયો. કોઈ દેશના લશ્કર પાસે હોય એવી ટેન્ક્સ, અત્યાધુનિક હથિયારો, બોમ્બ, રોકેટ લોંચર અને વીસ હજારથી વધારે સૈનિકો એલટીટીઈ પાસે હતાં. એલટીટીઈએ સાડા ત્રણ દાયકા લગી જંગ છેડીને શ્રીલંકાના લશ્કરને હંફાવી દીધું હતું. જાફના તથા આસપાસના વિસ્તારો પર વરસો સુધી એલટીટીઈનો કબજો હતો.
શ્રીલંકાનું લશ્કર એલટીટીઈ સામે ઝીંક નહોતું ઝીલી શકતું તેથી ભારતની મદદ માંગતાં રાજીવ ગાંધીએ ૧૯૮૫માં ભારતીય લશ્કરને શ્રીલંકા મોકલેલું. રાજીવના આ નિર્ણયને કારણે ભારતે ઙીલંકામાં ઘણા સૈનિકો ખોયા પણ એલટીટીઈનો સફાયો ન થયો, રાજીવ ગાંધીના આ પગલાના કારણે પ્રભાકરન તથા તમિલો તેને દુશ્મન ગણવા માંડ્યા હતા. પરિણામે એલટીટીઈએ ૧૯૯૧માં તમિલનાડુના શ્રીપેરામ્બુદુરમાં સુસાઈડ બોમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરાવી દીધી હતી. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યાના આ કેસમાં મૂળ તો પચ્ચીસ લોકોને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. પણ હાઈકોર્ટે તેમાંથી ચાર લોકોને ફાંસીની સજા માન્ય રાખી હતી.  જેમાં સંથન ઉર્ફે સુધેન્દ્રરાજા, મુરૂગન, મુરૂગનની પત્ની નલિની અને પેરારીવલન ઉર્ફે અરીવુને ફાંસી થઈ હતી. આ પૈકી નલિની ઉપર સોનિયા અને પ્રિયંકા ગાંધીને દયા આવી જતાં તે જેલની બહાર આવી ગઈ હતી. જ્યારે બાકીના ત્રણ આરોપી અટવાઈ ગયા હતા. રાજીવ ગાંધીની હત્યા માટે બનાવાયેલી ટુકડીમાં નલિની હતી. બાકીના ચારનાં મોત થયા હતા જ્યારે નલિની જ બચી હતી. નલિનીનું નસીબ જોર કરતું હતું કે, ફાંસીની સજા થવા છતાં તે બચી ગઈ. 
નલિની સિવાયના બાકીના ત્રણેય આરોપીઓએ રાષ્ટ્રપતિ સમક્ષ ૨૦૧૧ના ઓગસ્ટમાં દયાની અરજી કરી હતી. જેને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. ત્રણેયને ફાંસી આપવા ૯ સપ્ટેમ્બર, ૨૦૧૧નો દિવસ પણ નક્કી થયો હતો. જે બાદ મદ્રાસ હાઈકોર્ટે તેના પર સ્ટે આપ્યો હતો. જયારે ૧૧ વર્ષથી તેમની દયાની અરજીનો નિકાલ ન થતાં ૨૦૧૪મા સુપ્રીમ કોર્ટે ત્રણેય કેદીની ફાંસીની સજા આજીવન કારાવાસમાં ફેરવી નાંખી હતી. ૨૦૧૪માં તમિલનાડુની સરકારે તમામ સાત આરોપીને છોડી મૂકવા નિર્ણય લીધો હતો. પણ મનમોહનસિંહની સરકારે અપીલ કરતાં આ મામલો બંધારણીય બેંચનો સોંપી દેવાયો હતો. આ મામલાનું નિરાકરણ આવે તે પહેલાં ૨૦૧૫માં પેરારીવલને દયાની અરજી કરીને તમિલનાડુના રાજ્યપાલ પાસે માફી માંગવા કહેવાયું હતુ. અહીં પણ રાજ્યપાલે કોઈ જવાબ ના આપતાં પેરારીવલને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં રાજ્યપાલને અરજી પર નિર્ણય લેવાનો અધિકાર હોવાનું સ્વીકારીને નિર્ણય લેવા કહ્યું પણ રાજ્યપાલે કોઈ નિર્ણય ન લીધો. રાજ્યપાલે કશું ના કરતાં સુપ્રીમ કોર્ટે પણ ચીમકી આપવી પડેલી. એ પછી રાજ્યપાલ જાગ્યા અને આ ભલામણ રાષ્ટ્રપતિને મોકલી દીધી. રાષ્ટ્રપતિ ભવનમાં પણ ફાઈલ આગળ ના ચાલી તેથી છેવટે સુપ્રીમ કોર્ટે પેરારીવલનને છોડી મૂકવાનો આદેશ આપી દીધો છે. 
સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૬૧ હેઠળ રાજ્યપાલને મળેલા મુક્તિના અધિકારની સમીક્ષા કરવાનું પણ નક્કી કર્યું છે.  ટૂંકમાં પેરારીવલનના કેસમાં જે કંઈ થયું એ સુપ્રીમ કોર્ટે કર્યું છે, તેની સાથે મોદી સરકારને કંઈ લેવાદેવા નથી. આમ છતાં કોંગ્રેસે આ મામલામાં પણ મોદી સરકારને જવાબદાર ગણાવી છે. કોંગ્રેસને ચુકાદો ના ગમે તે સમજી શકાય તેમ છે. પરંતુ કોંગ્રેસે તો આ ચુકાદા માટે સીધે સીધો મોદી સરકાર પર આરોપ મુકી દીધો. કોંગ્રેસના એક દીગ્ગજ નેતા રણદીપ સૂરજેવાલાએ આ અંગે પ્રતિક્રયા આપતા કહ્યું કે, મોદી સરકારે રાજીવ ગાંધીના હત્યારાને છોડી મૂક્યો છે.  સૂરજેવાલાએ સવાલ પણ કર્યો છે કે, મોદી જવાબ આપે કે આ જ રાષ્ટ્રવાદ છે ?  કોંગ્રેસનું કહેવું છે કે, તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને રાષ્ટ્રપતિ રામવાથ કોવિંદે નિર્ણય ના લીધો એટલે સુપ્રીમ કોર્ટે પેરારીવલનને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. 
રાજીવ ગાંધી માત્ર કોંગ્રેસના નેતા નહીં, પણ તે સમયે દેશના વડાપ્રધાન હતા. આજે તેમના એક હત્યારાને છોડી મૂકાયો તેથી આજનો દિવસ દેશ માટે પણ દુઃખનો દિવસ છે. જો કે, સુપ્રિમના ચુકાદાથી કોંગ્રેસ ભલે રાજી નથી, પરંતુ તેનો સાથી પક્ષ ડીએમકે રાજીનો રેડ થઈ ગયો છે. ડીએમકેએ આ ચુકાદાને ઐતિહાસિક ગણાવીને તેનો જશ પણ ખાટી લીધો છે. ડીએમકેનું કહેવું છે કે, રાજ્ય સરકારના પ્રયાસોથી પેરારવલન છૂટયો છે અને રાહુલ ગાંધીને પણ તેનો જશ જાય છે. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, તેઓ પોતાના પિતાના હત્યારાઓને માફ કરી રહ્યા છે. તેથી આ ચુકાદા બદલ રાહુલની પ્રસંશા કરવી જોઈએ.  દોષારોપણમાં કોંગ્રેસનાં બેવડાં ધોરણોનો ચિતાર મળી રહ્યો છે. પ્રિયંકા-સોનિયાએ નલિનીને છોડાવી ત્યારે પણ આ નેતાઓ કોંગ્રેસમાં જ હતા જેઓ આજે મોદી સરકાર પણ આરોપો મુકી રહ્યા છે. રાજીવની હત્યાના કેસમાં નલિનીને પણ ફાંસીની સજા થઈ હતી. નલિનીએ જેલમાં દીકરીને જન્મ આપ્યો હતો. તેણે પોતાની દીકરીને ખાતર પોતાને માફ કરવા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. સોનિયા ના જઈ શક્યાં પણ પ્રિયંકા પિતાની હત્યામાં સામેલ નલિનીને મળવા ગયાં હતાં. નલિનીની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળ્યા પછી પ્રિયંકાએ તેને માફી પણ આપી હતી. પ્રિયંકા-સોનિયાના કહેવાથી નલિનીની સજા માફ થઈ ગઈ હતી. હવે એ જ કામ સુપ્રીમ કોર્ટે કર્યું તેમાં કોંગ્રેસને પેટમાં ચૂંક આવી છે.