ઓન્ટેરિયોમાં ગ્રામીણ, અંતરિયાળ તથા ઉત્તરના વિસ્તારોમાં મકાનની સમસ્યા ઉકેલવા કવાયત

January 29, 2022

  • પ્રીમિયર ડગ ફોર્ડે ગ્રામીણ, અંતરિયાળ તથા ઉત્તરના વિસ્તારોના નેતાઓ સાથે બેઠક યોજી
  • મકાન બાંધકામને વધુ ઝડપથી પુરુ કરવા આર્થિક તથા માળખાકીય સગવડતા અપાશે
ટોરોન્ટો: ઓન્ટેરિયોના પ્રીમિયર ડગ ફોર્ડે ગ્રામીણ, અંતરિયાળ તથા ઉત્તરના વિસ્તારોના નેતાઓ સાથે એક બેઠક યોજી મોટા શહેરોની જેમ ગામડાંઓ તથા દેશના અંતરિયાળ અને દેશના ઉત્તરના વિસ્તારોમાં લોકોને મકાનો જલ્દી કઈ રીતે કરી શકાય એ બાબતે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન સામાગ્રીની સપ્લાઈ સબંધી તેમજ મકાન બાંધકામની ધીમી કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને મકાન બાંધકામના મંત્રી સ્ટીવ ક્લાર્કે આ બેઠકનું આયોજન કર્યું હતું. રવિવારના દિવસે યોજવામાં આવેલી બેઠકમાં નાના અને મધ્યમ કદના ગામડાઓ અને દેશના દૂર-દૂરના વિસ્તારો તેમજ ઉત્તરના વિસ્તારોની મ્યુનિસિપાલ્ટીઓ વિસ્તારમાં મકાનોની જે તંગી છે તેને પહોંચી વળવા સહકાર અને સંકલન કઈ રીતે સાધી શકાય તેના ઉપર ગંભીર રીતે વિચારણા કરવામાં આવી હતી.
ક્લાર્કે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે વધુને વધુ મકાનો ઝડપથી બાંધવા એ આજની સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે અને તેથી સરકાર નાના અને મધ્યમ કદના ગામડાઓ, દૂર-દૂરના અને ઉત્તરના વિસ્તારોમાં સત્તાવાળાઓ સાથે ચર્ચા કરી છે. બેઠક દરમિયાન અમને સુચનો મળ્યા છે. તે વિશે હવે વિચારણા કરી સમસ્યા હલ થાય તે માટે પ્રયાસો કરવામાં આવનાર છે. આ વિસ્તારની મ્યુનિસિપાલ્ટીઓ અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન અને પ્રતિબદ્ધતાનો અભાવ જોવા મળતો હતો. જેનો આ મિટિંગમાં ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી જુદા-જુદા વિસ્તારોમાં જુદા-જુદા પ્રકારોના મકાનોની જરૂરિયાત પણ સમસ્યાનું એક કારણ છે. પરંતુ સરકાર એ સમસ્યા તરફ ગંભીરતાથી ધ્યાન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ વિસ્તારમાં મકાન બાંધકામને વધુ ઝડપથી પુરુ કરવા આર્થિક તથા માળખાકીય સગવડતા પુરી કરવામાં સહાય કરાશે.
છેલ્લા 27 વર્ષથી બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા બ્રુકસ કાઉન્ટીના મેયર મિશેલ પ્લૉલેને કહ્યું હતું કે, સારા અને સલામત જીવન માટે મોટા શહેરોમાંથી લોકો નાના અને મધ્યમ ગામડાઓ તરફ ધસારો કરી રહયા છે. શહેરના લોકોને લાગે છે કે, નાના ગામડાઓમાં ગુણાત્મક જીવન સરળ બની રહે છે. જેથી ગામડા તરફ થતાં ધસારાનું પરિણામ એ આવ્યું છે કે શરુઆતથી જ મકાનોની તંગીનો સામનો કરી રહેલા નાના અને મધ્યમ કદના ગામડાઓ અને દેશના દૂર-દૂરના અને ઉત્તરના વિસ્તારોના લોકોની મકાનોની સમસ્યામાં વધારો થયો છે.