પૂર્વ અફઘાનિસ્તાનમાં વિસ્ફોટ: 9 બાળકોના મોત; 4 ઘાયલ

January 10, 2022

અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કર્યા બાદથી જ દેશમાં અશાંતિનો માહોલ છે. પૂર્વ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સરહદ નજીક સોમવારે થયેલા વિસ્ફોટમાં નવ બાળકોના મોત થયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હતા. ગવર્નરના કાર્યાલય તરફથી આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પૂર્વી નગરહાર પ્રાંતના લાલોપર જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વાહને જૂના એક ફૂટ્યા વિનાના મોર્ટાર શેલને ટક્કર મારતાં વિસ્ફોટ થયો હતો.
આ પ્રાંત તાલિબાનના હરીફો અને ઈસ્લામિક સ્ટેટ જૂથનું મુખ્ય મથક છે. જેમણે ગયા વર્ષે ઓગસ્ટના મધ્યમાં તાલિબાને દેશ પર કબજો જમાવ્યો ત્યારથી અફઘાનિસ્તાનના નવા શાસકોને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. જો કે, IS એ 2014થી અફઘાનિસ્તાનમાં ડઝનબંધ ભયાનક હુમલાઓ કર્યા છે અને ઘણીવાર દેશના લઘુમતી શિયા મુસ્લિમોને નિશાન બનાવ્યા છે.
 અફઘાનિસ્તાન એવા દેશોમાંથી એક છે જ્યાં દેશના દાયકાઓથી ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષમાં સૌથી વધુ લેન્ડમાઈન અને અન્ય હથિયારો છે. જ્યારે પણ હથિયારોમાં વિસ્ફોટ થાય છે, ત્યારે તેનો ભોગ મોટાભાગે અહીંના બાળકો જ બને છે.