પટણામાં ગાંધી મેદાન વિસ્તારમાં વિસ્ફોટ, 5 ઈજાગ્રસ્ત, 2 મકાનને નુકસાન

February 10, 2020

પટણા  : બિહારની રાજધાની પટણાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનની હદમાં દલદલી રોડ પર એક મકાનમાં આજે સવારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

આ માહિતી મળતાં તરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પાછળથી પોલીસે જણાવ્યું હતું કે એક મકાનમાં બોમ્બ હતો. એ અચાનક ફૂટ્યો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે બે મકાનોને ભારે નુકસાન થયું હતું. અને પાંચ વ્યક્તિને ઇજા થઇ હતી.

દૂર દૂર સુધી આ ધડાકો સંભળાયો હતો. જે ઓરડામાં ધડાકો થયો હતો એનો દરવાજો ઊડી ગયો હતો અને બારી એકબીજાની સાથે સખ્ખત ચોંટી ગઇ હતી.

પટણાના સિટિ પોલીસ સુપરિન્ટેડન્ટ જી અમરકેશે કહ્યું હતું કે હાલ બોમ્બ વિરોધી દળ ત્યાં તપાસ કરી રહ્યું છે. પ્રથમદર્શી અહેવાલ પરથી એવું લાગે છે કે આ બોમ્બ વિસ્ફોટ નહોતો પરંતુ ગેસ સિલિન્ડરલ ફાટ્યું હતું. બોમ્બ વિરોધી દળની તપાસ પછી અમે વિગતે માહિતી આપી શકીશું.

મકાન માલિકે કહ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી મારા આ ઘરમાં એક રિક્શાવાળો ભાડેથી રહે છે. જો કે પોતાના આ ભાડૂતની પૂરી વિગતો એ પોલીસને આપી શક્યો નહોતો. ઇજાગ્રસ્તોને બોમ્બના છરા વાગ્યા હતા એટલે ગેસ સિલિન્ડરની વાત ગળે ઊતરે એવી નહોતી એમ એક અન્ય પોલીસ અધિકારીએ કહ્યું હતું.